નેશનલ

શું છે ‘રાજપૂત કરણી સેના’, કે જેના એક અગ્રણીની હત્યાથી આખું રાજસ્થાન હચમચી ગયું..

હજી તો રાજસ્થાનમાં માંડ ચૂંટણી પૂરી થઇ હતી, પરિણામો જાહેર થયા જ હતા અને સૌનું ધ્યાન મુખ્યપ્રધાન પદની વરણી પર હતું, એવામાં એક એવી ઘટના બની કે જેના લીધે રાજસ્થાનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો. મંગળવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની તેમના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

દેશના લગભગ તમામ રાજકીય પક્ષોએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને ગોગામેડીના પરિવારજનો પ્રત્યે સંવેદના જતાવી છે. નવાઇની વાત એ છે કે આ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ખરેખર તો કોઇ રાજકીય પક્ષ નથી, તે માત્ર રાજપૂત સમાજનું એક સંગઠન છે. તેમ છતાં રાજસ્થાનમાં તેનો પ્રભાવ એટલો બધો છે કે આજે ગોગામેડીની હત્યાના વિરોધમાં સમગ્ર રાજસ્થાનમાં કરફ્યુ જેવો માહોલ છે.

હુમલાખોરોએ સુખદેવસિંહ ગોગામેડીની તેમના જયપુર સ્થિત ઘરમાં આવીને ધડાધડ ગોળીઓ વરસાવીને હત્યા કરી નાખી હતી. રાજસ્થાન પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી છે. જો કે તમામ આરોપીઓ હાલ ફરાર છે.

કરણી સેના એ એક બિન રાજકીય સંગઠન છે. જેનો પાયો વર્ષ 2006માં લોકેન્દ્રસિંહ કાલવીએ નાખ્યો હતો. કાલવી પોતે રાણી પદ્મિનીની 37મી પેઢીના છે તેવું કહેવાય છે. 6 ફૂટથી પણ વધુ મહાકાય ઉંચાઇ ધરાવતા કાલવી એક બૂમ પાડે એટલે આખો રાજપૂત સમાજ એકત્ર થઇ જતો. રાજપૂતોની માગણીઓ તથા તેમને લગતી વિશેષ બાબતોની રજૂઆતો માટે એક સંગઠન બનાવવાની જરૂરિયાત ઉભી થઇ. જેની આગેવાની કાલવીએ લીધી. રાજપૂતોના આરાધ્યદેવી કરણીમાતાના નામ પરથી સંગઠનનું નામ ‘કરણીમાતા’ રખાયું. કહેવાય છે કે રાજપૂતોનું ગૌરવ અને માન-સન્માન જળવાઇ રહે તે માટે આ સંગઠન કામ કરે છે.

કરણી સેનાની રાજપૂતો પરની પકડને કારણે રાજસ્થાનના રાજકારણમાં પણ તેનું વર્ચસ્વ છે. આ સંગઠન રાજપૂતોને બાંધીને રાખે છે. રાજપૂત મતદારોને લોભાવવા માટે રાજકીય પક્ષો પણ કરણી સેનાને ઘણું મહત્વ આપતી હોય છે.

રાજધાની જયપુર સહિત રાજસ્થાનના વિસ્તારો જોટવાડા, ખાતીપુરા, વૈશાલી અને મુરલીપુરામાં કરણી સેનાનું મોટું પ્રભુત્વ છે. રાજસ્થાનની બહારના પ્રદેશોની જો વાત કરીએ તો ઉત્તરપ્રદેશ, બિહાર અને છેક નેપાળ સુધીના રાજપૂતો પણ ફક્ત એક ફોન અથવા મેસેજ વડે જ્યાં સંગઠન બોલાવે ત્યાં એકત્રિત થઇ જાય છે.

પહેલીવાર કરણી સેનાનું નામ પદ્માવત ફિલ્મને કારણે સમાચારોમાં ચમક્યું. દિપીકા પાદુકોણ, રણવીરસિંહ અભિનીત આ ફિલ્મનું જ્યારે પહેલું ગીત ‘ઘૂમર’ રિલીઝ થયું ત્યારે તેમાં દિપીકાના પહેરવેશને લઇને રાજપૂતો ભારે નારાજ થયા હતા. ફિલ્મની સ્ટોરીલાઇનને સામે પણ તેમને વાંધો હતો. કરણી સેનાએ રાજપૂતોની નારાજગી મુદ્દે દેશભરમાં ખૂબ જ આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કર્યું. થિયેટરોમાં તોડફોડ થઇ, પોસ્ટરો બાળવામાં આવ્યા. ઘણી જગ્યાએ તો રિલીઝ પણ થવા ન દેવાઇ. રિતીક રોશન-એશ્વર્યા રાયની ફિલ્મ જોધા અકબર વખતે પણ આવી ઘટનાઓ બની.

આ ઉપરાંત રાજપૂત સમુદાયના જ એક વોન્ટેડ આરોપી આનંદપાલ સિંહે પોલીસમાં સરેન્ડર કરી દીધા બાદ પણ તેનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થતા ફરીવાર રાજપૂતો રોષે ભરાયા હતા. EWS અનામતમાં રાજપૂતોને સામેલ કરવા મુદ્દે તેમજ હિંદુત્વના અનેક મુદ્દાઓને લઇને કરણી સેના અવારનવાર લાઇમલાઇટમાં આવીને લોકપ્રિયતા મેળવતી રહી.

જેમ જેમ આ સંગઠનની લોકપ્રિયતા વધી તેમ તેમ તેમાં અંદરોઅંદર ફાંટા પડવા લાગ્યા. વિવાદો વધતા સંગઠનને 3 ભાગમાં વહેચી નખાયું. રાજપૂત કરણી સેવા સમિતિ, રાજપૂત કરણી સેના અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના. રાજપૂત કરણી સેનાનું માર્ચ 2023 સુધી નેતૃત્વ કાલવી જ કરી રહ્યા હતા, પરંતુ તેમનું કાર્ડિઆક એરેસ્ટથી મોત થઇ ગયું.

તે પછી અધ્યક્ષપદ પર કોણ છે તેની માહિતી મળી શકી નથી. ગોગામેડી કે જેમની હત્યા કરવામાં આવી તે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ હતા. ત્રણેય સંગઠનોમાં ગોગામેડીવાળા સંગઠનની લોકપ્રિયતા વધારે હતી. આથી ગોગામેડીની હત્યા એ રાજસ્થાન માટે ચૂંટણી બાદની અતિ ગંભીર અને મહત્વની ઘટના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…