‘મનમોહનસિંહ પણ ત્યાં…’ ગૌતમ ગંભીરે ‘પનોતી’વાળા નિવેદન પર આ શું કહી દીધું?

નવી દિલ્હી: થોડા દિવસો પહેલા જ વર્લ્ડ કપમાં ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે જ્યારે હારી ગઇ હતી ત્યારે હાર બાદ ડ્રેસિંગ રૂમમાં પીએમ મોદી ભારતીય ટીમના ખેલાડીઓને મળ્યા હતા અને હાર બદલ તેમને સાંત્વના પાઠવી હતી. આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ ગયો હતો અને સમગ્ર ઘટના અંગે ઘણી ચર્ચા પણ થઇ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મેચ વખતે પીએમ મોદીની હાજરી અંગે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે એક ચૂંટણી સભામાં પીએમ મોદી માટે ‘પનોતી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને આ મામલે લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો. હવે ગૌતમ ગંભીરે પણ પલટવાર કરતા સમગ્ર વિવાદ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
દિલ્હીથી સાંસદ ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે આ શબ્દનો ઉપયોગ કરવાની કોઇ જરૂર ન હતી. વર્ષ 2011માં જ્યારે વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ યોજાઇ હતી, એ વખતે પણ તત્કાલિન વડા પ્રધાન મનમોહન સિંહ ભારત-પાકિસ્તાન મેચ જોવા દર્શકોની વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. કોઇની પણ વિરુદ્ધ વપરાતા શબ્દોમાં ‘પનૌતી’ કદાચ સૌથી વધુ ખરાબ છે.
ખાસ કરીને દેશના વડા પ્રધાન સામે આ શબ્દ વપરાવો ન જોઇએ. 2011ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ડૉ.મનમોહન સિંહ ત્યાં હાજર હતા. જો તેમના માટે આવો શબ્દપ્રયોગ થયો હોત તો? જો અમે તે મેચ હારી ગયા હોત અને તેઓ અમને મળવા આવ્યા હોત, તો તે સ્થિતિમાં પણ તેઓ આવું કહેત?
રાજસ્થાન ચૂંટણી વખતે યોજાયેલી એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “તે (પીએમ મોદી)ટીવી પર આવે છે અને હિંદુ-મુસ્લિમ કરે છે. અને ક્યારેક તેઓ ક્રિકેટ મેચમાં પણ જાય છે. આપણા ખેલાડીઓ વર્લ્ડ કપ જીતી લેતા, પરંતુ પનોતીને કારણે આપણે મેચ હારી ગયા.” તેવું રાહુલે કહ્યું હતું.