પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં ગરબડ કરતા ચૂંટણી પંચના 4 અધિકારી સસ્પેન્ડ

કોલકાતાઃ દેશમાં મતદાર યાદી સંશોધન (ઇઆઆર)નો મુદ્દે રાજકીય ઘર્ષણ ચાલી રહ્યું છે. આ દરમ્યાન ચૂંટણી પંચના નિર્દેશ પર, પશ્ચિમ બંગાળ સરકારે મતદાર યાદી સંશોધનમાં અનિયમિતતાના આરોપસર ચાર અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ તેમાંથી કોઈની સામે FIR નોંધવામાં આવી નથી.
સરકારનું કહેવું છે કે આ રીતે ચૂંટણી પંચ (EC)ના નિર્દેશોનું આંશિક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. મુખ્ય સચિવ મનોજ પંત નવી દિલ્હીમાં ચૂંટણી પંચ સમક્ષ હાજર થયાના બરાબર એક અઠવાડિયા પછી આ સસ્પેન્શન આવ્યું છે. કમિશને 21 ઓગસ્ટની સમયમર્યાદા નક્કી કરી હતી અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા તેમ જ તેમની સામે FIR દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં એક કરોડ બોગસ મતદારો હોવાનો ભાજપનો દાવો
FIR નોંધવામાં આવી નથી
અધિકારીઓને સસ્પેન્ડ કરવાના મામલે રાજ્ય સચિવાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સસ્પેન્શનના નિર્દેશો પર કાર્યવાહી કરી છે અને વિભાગીય કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આરોપીઓ સામે FIR નોંધવામાં આવી નથી.
આ અધિકારીઓનું સસ્પેન્શન
માહિતી અનુસાર, બરુઈપુર પૂર્વ અને મોયના વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં ગેરરીતિના આરોપો બાદ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સચિવાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લાના બે ચૂંટણી નોંધણી અધિકારીઓ (ERO) અને બે સહાયક ચૂંટણી નોંધણી અધિકારીઓ (AERO)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ નીતિ આયોગને લખ્યો પત્ર, કરી આ માંગ…
સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન
ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં બરુઈપુર પૂર્વના દેવોત્તમ દત્તા ચૌધરી (ERO) અને તથાગત મંડલ (AERO)નો સમાવેશ થાય છે. મોયનાથી બિપ્લબ સરકાર (ERO) અને સુદિપ્ત દાસ (AERO)નો સમાવેશ થાય છે. આ અધિકારીઓ પર મતદાર યાદી સંશોધન પ્રક્રિયા દરમિયાન લોગિન ઓળખપત્રો શેર કરવાનો અને ડેટા સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે કમિશનનું માનવું છે કે આવા કિસ્સાઓ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા માટે સીધો ખતરો છે. કમિશને કહ્યું કે તે રાજ્ય સરકારના પ્રતિભાવ પર પણ નજર રાખી રહ્યું છે.