પશ્ચિમ બંગાળમાં SIRના કારણે ખેડૂતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ: TMC અને BJPએ શરૂ કર્યું રાજકારણ

કૂચ બિહાર: દેવું અને આર્થિક તંગી જેવા કારણોસર આત્મહત્યાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. પરંતુ તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં બે અનોખા કારણોસર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. આત્મહત્યાની આ ઘટનાઓએ સ્થાનિક વહીવટીતંત્ર અને રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. આવો જાણીએ, સમગ્ર મામલો શું છે.
ખેડૂતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ
મતદાર યાદીના સમરી ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને NRC લાગુ થવાના ભયથી 24 કલાકના ગાળામાં બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. આજે કૂચ બિહારના દિનહાટા-2 બ્લોકના જીતપુર ગામના 60 વર્ષીય ખેડૂત ખૈરુલ શેખે મતદાર યાદીમાંથી પોતાનું નામ કપાવાના ડરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પરિવારના જણાવ્યા મુજબ, ખૈરુલ શેખનું નામ 2002ની મતદાર યાદીમાં હતું, પરંતુ તેમાં જોડણીની ભૂલ હતી. તેમને ડર હતો કે SIR પ્રક્રિયા દરમિયાન આ ભૂલને કારણે તેમનું નામ કાઢી નાખવામાં આવશે.
આ ડરના કારણે તેમણે જંતુનાશક દવા પી લીધી હતી, જેના પગલે પરિવારે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલમાં તેઓ કૂચ બિહાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સ્થિતિ સ્થિર છે.
આપણ વાચો: આત્મહત્યા કે હત્યાઃ ફલટણની મહિલા ડોક્ટરના વૉટ્સ એપ સ્ટેટ્સથી ફરી શંકા-કુશંકા…
NRCના ડરથી પણ એક વ્યક્તિએ કરી આત્મહત્યા
આ ઘટનાના એક દિવસ પહેલા, મંગળવારે ઉત્તર 24 પરગણા જિલ્લાના પાનીહાટમાં 57 વર્ષીય પ્રદીપ પ્રકાશે NRCના ડર અને તણાવને કારણે તેમના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમની સુસાઇડ નોટમાં આ કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બે ઘટનાઓએ રાજ્યમાં NRC અને મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને લઈને રાજકીય વિવાદ વધુ તીવ્ર બનાવ્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ભાજપ પર “NRC ના ડરથી નિર્દોષ નાગરિકોને ડરાવવા” અને “જૂઠાણું ફેલાવીને ભયનું રાજકારણ” કરવા બદલ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વિટર પર સ્પષ્ટ કર્યું કે NRC બંગાળમાં ક્યાંય લાગુ કરવામાં આવશે નહીં.
મમતા બેનર્જીના આ આક્ષેપને લઈને ભાજપ IT સેલના વડા અમિત માલવિયાએ મમતા બેનર્જી પર “રાજકીય લાભ માટે જૂઠાણા ફેલાવવા” અને નિયમિત મતદાર યાદી સુધારણા (SIR) ને “NRC નું સંસ્કરણ” કહીને જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. અમિત માલવિયાએ પ્રદીપ પ્રકાશના મૃત્યુની તપાસની પણ માંગ કરી છે.



