વાયનાડ પેટાચૂંટણી: પ્રિયંકાએ ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો
વાયનાડ: બીજા તબક્કાના પ્રચારની શરૂઆત કરતાં વાયનાડની પેટાચૂંટણી માટેના કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી-વાડ્રાએ સોમવારે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને એવો આરોપ લગાવ્યો હતો કે તેના શાસન હેઠળ બંધારણના મૂલ્યોનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
આ પહાડી જિલ્લાના મીનાંગડીમાં આયોજિત કોર્નર મીટિંગને સંબોધતા એઆઈસીસીના જનરલ સેક્રેટરીએ મણિપુરમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો હતો અને એવો આરોપ લગાવ્યો હતો કે દેશમાં લઘુમતીઓ વિરુદ્ધ ‘નિયોજિત’ હુમલાઓ થઈ રહ્યા છે.
તમે જાણો છો કે કેન્દ્રની ભાજપ સરકાર એક સમુદાયમાં ડર, આક્રોશ અને તકલીફ ફેલાવી રહી છે. તમે લઘુમતીઓ પર હુમલા જોયા છે. તમે મણિપુરમાં હુમલા જોયા છે. તમે વારંવાર પૂર્વ નિયોજિત પદ્ધતિએ ગુસ્સો, નફરત અને ભય ફેલાવતા લોકોને જોયા છે, એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: પ્રિયંકા ગાંધીએ રાહુલના નામે લોકોના મત માંગ્યા! કહ્યું, હું તમને નિરાશ નહીં કરું
પ્રિયંકાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે એક પછી એક નીતિ સામાન્ય લોકોની જગ્યાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રોની તરફેણમાં બનાવવામાં આવે છે.
દિવસ-રાત મહેનત કરતા ખેડૂતો પ્રત્યે કોઈ દયા દાખવવામાં આવતી નથી. આદિવાસી લોકોની કોઈ સમજ નથી, શ્રીમંત લોકો માટે તેમની જમીનો છીનવી લેવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.
સીટ ખાલી કરનાર તેના ભાઈ રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા પ્રિયંકાએ કહ્યું હતું કે તે જાણતી હતી કે વાયનાડ છોડવા પર તેનું હૃદય કેટલું ભારે હતું.
હું જાણું છું કે તમે મારા ભાઈ પ્રત્યેના પ્રેમને કારણે તમે અહીં આવ્યા છો. તેને તમારા બધા સાથે ઊંડો સંબંધ છે, તમે બધા તેનો પરિવાર છો. આજે આપણે બહુ મોટી લડાઈ લડી રહ્યા છીએ અને તેઓ આ લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે.
અને આપણે બધા એ મૂલ્યો માટે લડી રહ્યા છીએ જેના પર દેશનું નિર્માણ થયું છે. આપણે આપણા બંધારણના મૂલ્યો માટે લડી રહ્યા છીએ. આજે આપણે આપણી લોકશાહી માટે લડી રહ્યા છીએ. આજે આપણે સમાનતા માટે લડી રહ્યા છીએ અને તમે દરેક આ લડાઈમાં મહત્ત્વપૂર્ણ સૈનિકો છો, એમ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું.
આપણ વાંચો: વાયનાડમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન: પ્રિયંકા ગાંધીનો મેગા રોડ શો, રોબર્ટ વાડ્રાએ આપ્યું સમર્થન
પ્રિયંકાએ વધુમાં જણાવ્યું હતું કે જો તે સંસદસભ્ય તરીકે ચૂંટાશે તો તે શક્ય તેટલી મહેનત કરશે. હું તમારી સાથે ઊભી રહીશ. હું તમારા માટે લડીશ. હું તમારા મુદ્દાઓ સંસદમાં ઉઠાવીશ. તમારા પ્રશ્ર્નોના ઉકેલ માટે હું લડીશ.
મીનાંગડી ખાતેની બેઠક બાદ 150 મીટર લાંબો રોડ શો યોજાયો હતો.
22 ઑક્ટોબરે તેમનું નામાંકન સબમિટ કર્યા પછી મતવિસ્તારની આ તેમની બીજી મુલાકાત છે.
દરમિયાન, રિટર્નિંગ ઓફિસરે સોમવારે ચકાસણી પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસના નેતાનું નામાંકન સ્વીકાર્યું હતું. તેમણેે ઉમેદવારી પત્રોના ચાર સેટ સબમિટ કર્યા હતા.
ભાજપે પ્રિયંકા ગાંધી પર પેટાચૂંટણી લડવા માટે તેમના સોગંદનામામાં તેમના અને તેમના પતિ રોબર્ટ વાડ્રાની સંપત્તિ અંગે ‘જરૂરી માહિતી જાહેર ન કરવાનો’ આરોપ મૂક્યો હતો.
તાજેતરની સંસદીય ચૂંટણીઓમાં રાયબરેલી મતવિસ્તારમાં જીત બાદ રાહુલ ગાંધીએ સીટ ખાલી કરતાં પેટાચૂંટણી જરૂરી બની હતી. 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે.
પ્રિયંકા એલડીએફના દિગ્ગજ નેતા સત્યન મોકેરી, ભૂતપૂર્વ વિધાનસભ્ય અને કોઝિકોડ કોર્પોરેશનના બે વખત કાઉન્સિલર રહી ચૂકેલા ભાજપના નવ્યા હરિદાસ સામે ચૂંટણી લડી રહી છે