મેલ-એક્સપ્રેસમાં ટ્રેનમાં આ વસ્તુઓની ચોરી કરનારા ચેતી જજો, નહીં તો
નવી દિલ્હીઃ દુનિયાનું ત્રીજું સૌથી મોટું રેલવે નેટવર્ક ભારતીય રેલવેમાં દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ભારતીય રેલવે પ્રવાસીઓને દરેક પ્રકારની સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ કરે છે, જેમાં મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓને બેડરોલ્સ આપે છે. આમ છતાં તેની ચોરી થવાને કારણે રેલવેને નુકસાન થાય છે. આ નુકસાનીને રોકવા માટે રેલવે હવે ચોરી કરનારાને જેલમાં મોકલતા ખચકાશે નહીં, એવું રેલવેએ જણાવ્યું હતું.
હવે રેલવેએ ટોવેલ અને ચાદરો પોતાની સાથે લઈ જનારા અથવા ચોરી કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો છે. અત્યાર સુધીમાં 14 કરોડ રૂપિયાના ટોવેલ અને ચાદરની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારની ચોરી રોકવા માટે દરેક પ્રવાસીઓએ તેમનો પ્રવાસ પૂરો થયાના અડધો કલાક પહેલા આ દરેક વસ્તુઓને જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ ચોરીને અટકાવવા માટે હવે ટોવેલ અને ચાદરો ચોરી કરનાર વ્યક્તિને દંડ અથવા જેલની સજા ફટકારવામાં આવશે એવી જાહેરાત કરી છે. તમારો રેલવેનો પ્રવાસ પૂર્ણ થયા બાદ જો તમારા બેગમાં રેલવેના ટોવેલ અને ચાદર મળશે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
1966ના રેલવે કાયદા મુજબ રેલવેની કોઈ પણ માલમત્તા ચોરી કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે છે. આ કાયદાનું ઉલંઘન કરનારને એક વર્ષની જેલની સજા અથવા એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. એક વર્ષની જેલની સજા વધારીને તેને પાંચ વર્ષ પણ કરવામાં આવી શકે છે. એક્સ્પ્રેસ ટ્રેનના એસી કોચમાં પ્રવાસ કરનાર પ્રવાસીઓને બે ચાદર, એક બ્લેંકેટ, એક તકિયા અને તેનું કવર અને એક ટોવેલ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017-18માં કુલ 1.95 લાખ ટોવેલ, 81,776 બેડશીટ, 5,038 તકિયા કવર અને 7,043 બ્લેન્કેટ ચોરી થયા હતા, તેનાથી રેલવેને મોટું નુકસાન થયું હતું.