વકફ કાયદા પર સુપ્રીમનો ચુકાદો: કાયદો રદ કરવાનો ઇનકાર, પરંતુ આ જોગવાઈઓ પર રોક લગાવી...
Top Newsનેશનલ

વકફ કાયદા પર સુપ્રીમનો ચુકાદો: કાયદો રદ કરવાનો ઇનકાર, પરંતુ આ જોગવાઈઓ પર રોક લગાવી…

નવી દિલ્હી: વકફ (સુધારા) કાયદો, 2025 છેલ્લા ઘણા સમયથી ભારતના રાજકારણમાં વિવાદના કેન્દ્રમાં રહ્યો છે. સંસદ દ્વારા બનાવવામાં આવેલો આ કાયદો રદ કરવા કેટલાક સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આજે સુપ્રીમ કોર્ટે આ અરજી પર ચુકાદો આપ્યો (Supreme court verdict about Waqf Act) છે. કોર્ટે આ કાયદો રદ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કાયદાની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી છે.

મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ એજી મસીહની બેન્ચે વચગાળાનો આદેશ આપ્યો છે. અહેવાલ મુજબ વકફ તરીકે જાહેર કરાયેલી મિલકત સરકારી મિલકત છે કે નહીં તે નક્કી કરવા અને તેના અનુગામી આદેશો પસાર કરવાની સત્તા કલેક્ટરને આપતી કલમ પર બેન્ચે રોક લગાવી છે. કોર્ટના આદેશ મુજબ આ મુદ્દે નિર્ણય લેવાનો અધિકાર ફક્ત ટ્રિબ્યુનલ પાસે રહેશે.

કોર્ટે આ કલમો પર પણ રોક લગાવી:
ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ઇસ્લામ ધર્મને અનુસરતી વ્યક્તિને જ વકફ બનાવવાની મંજૂરી આપતી કાયદાની કલમ પર પણ સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ બિન-મુસ્લિમ વક્તિઓ પણ વકફ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી બની શકે છે, પરંતુ જ્યારે કોઈ લાયક મુસ્લિમ ઉમેદવારના હોય ત્યારે જ. કોર્ટે વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોની મહત્તમ સંખ્યા ઘટાડીને ત્રણ કરી છે.

વકફ બોર્ડ પાસે કેટલી સંપતિ:
નોંધનીય છે કે વકફ બોર્ડએ એક સ્ટેચ્યુટરી સંસ્થા છે. આવી સંસ્થાનો હેતુ મુસ્લિમો દ્વારા ધાર્મિક, સખાવતી અથવા સમુદાય માટે દાનમાં આપવામાં આવેલી મિલકતોનું સંચાલન અને જાળવણી કરવાનો છે.

મસ્જિદો, કબ્રસ્તાન, મદરેસા, દરગાહ, ખેતીની જમીન, શાળાઓ, દુકાનો અને અન્ય સંસ્થાઓને વકફમાં સમાવી શકાય છે. એકવાર કોઈ મિલકતને વકફ જાહેર કરવામાં આવે ત્યાર બાદ, તેને વેચી શકાતી નથી, કોઈને ભેટ તરીકે આપી શકાતી નથી અથવા વારસામાં આપી શકાતી નથી.

વકફ જાહેર કરીને વ્યક્તિગત મિલકતને ખોટી રીતે પડાવી લેવાની ઘણી ફરિયાદો ઉઠી છે, જેને કારણે ઘણા વકફ બોર્ડસ વિવાદમાં રહ્યા છે. જેના પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે વકફ વકફ (સુધારા) બિલ સંસદમાં રજુ કર્યું હતું,

ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહોમાંથી આ બિલ પસાર થયું હતું અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બન્યું હતું. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

ભારતમાં હાલમાં 30 રાજ્ય વકફ બોર્ડ છે, જેના હેઠળ 8.7 લાખ મિલકતો છે, જે કુલ 9.47 લાખ એકરમાં ફેલાયેલી છે, જેની અંદાજિત બજાર કિંમત ₹1.2 લાખ કરોડથી વધુ છે. આમ ભારતીય રેલ્વે અને સશસ્ત્ર દળો પછી વકફ બોર્ડ દેશનો ત્રીજો સૌથી મોટો જમીન માલિક છે.

આ પણ વાંચો…ઐતિહાસિક પહેલ: કેન્દ્ર સરકારે ‘ઉમ્મીદ’ પોર્ટલ દ્વારા વકફ સંપત્તિની જિયો-ટેગિંગ શરૂ કરી!

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button