બળાત્કારીને આટલી છૂટછાટ કેમ? ને પેરોલ મળતા પીડિત પરિવાર અને વિપક્ષના સરકાર સામે સવાલ

નવી દિલ્હી: બે મહિલા અનુયાયી પર બળાત્કાર ગુજારવાના મામલે દોષિત ઠરતા 20 વર્ષની જેલની સજા ભોગવી રહેલો ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ સિંહ ગઈ કાલે ફરી એક વાર પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો, તે 40 દિવસના પેરોલ પર રોહતકની સુનારિયા જેલમાંથી આવ્યો છે. વર્ષ 2020 બાદ તે 15મી વખત જેલની બાહર આવ્યો છે, જેને કારણે પીડિત પરિવારે નારાજગી દર્શાવી છે અને વિપક્ષે સરકારની આકરી ટીકા કરી છે.
અહેવાલ મુજબ, 25 જાન્યુઆરીએ ડેરા સચ્ચા સૌદાના બીજા આગેવાન શાહ સતનામ જી મહારાજની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા પંજાબ અને હરિયાણામાં રાજકીય પ્રભુત્વ ધરાવતા રામ રહીમ સિંહને પેરોલ આપવામાં આવ્યા છે.
પીડિત પરિવાર ચિંતામાં:
રામ રહીમ પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કેસમાં પણ દોષિત ઠર્યો છે, મૃતક પત્રકારના દીકરા પુત્ર અંશુલ છત્રપતિએ રામ રહીમને જેલ મુક્ત કરવા બાબતે ચિંતા અને નારજગી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ રામ રહીમ વારંવાર જેલમાથી બહાર આવતા પીડિતો માટે જીવનું જોખમ ઉભું થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે રામરહીમ અન્ય ઘણા કેસોમાં આરોપી છે, જેમાંથી કેટલાક હજુ પણ ટ્રાયલ હેઠળ છે.
વિપક્ષે સરકાર સામે સવાલો ઉઠાવ્યા:
અત્યાર સુધીમાં, સજા મળ્યા બાદ રામ રહીમ 366 દિવસ જેલની બહાર વિતાવી ચુક્યો છે, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ એ પણ રામ રહીમને પેરોલ આપવાના નિર્ણયને વખોડી કાઢ્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગીતા ભુક્કલે કહ્યું, “અમે સરકારને પૂછીએ છીએ કે કારણ શું છે? સામાન્ય રીતે, જ્યારે કેદીના પિતાનું અવસાન થયું છે, તેમને ઘરે લગ્નમાં હાજરી આપવાની જરૂર હોય, અથવા કોઈ અન્ય તાત્કાલિક કારણ ત્યારે પેરોલ આપવામાં આવે છે, ઘણીવાર તો આવા કિસ્સામાં પણ પેરોલ મંજૂર કરવામાં આવતા નથી, પરંતુ રામ રહીમ જ્યારે પણ પેરોલ માંગે છે, ત્યારે આટલી સરળતાથી કેમ આપી દેવામાં આવે છે?”
વિધાર્થીઓ નેતાઓને સજા બાલાત્કારીને છૂટછાટ કેમ?
ગઈ કાલે સુપ્રીમ કોર્ટે પાંચ વર્ષથી વધુ સમયથી જેલ કેદ અને હજુ પણ ટ્રાયલ શરુ થવાની રાહ જોઈ રહેલા ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન આપવાના ઇનકાર કર્યો હતો, જ્યારે દોષિત રામ રહીમને વારંવાર જેલ મુક્તિ આપવામાં આવતા કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) ના સાંસદ જોન બ્રિટાસ અને રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ સવાલો ઉઠાવ્યા હતાં.
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) ના રાષ્ટ્રીય પ્રવક્તા અનિશ ગાવંડેએ રામ રહીમને પેરોલ આપવાના નિર્ણયને વખોડતા X પર લખ્યું, “રામ રહીમ આજે જેલમાંથી બહાર આવ્યો છે, એ જ દિવસે ઉમર ખાલિદની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. સરકારને પ્રશ્ન કરવાની હિંમત કરનાર વિદ્યાર્થી કરતાં એક બળાત્કારી પાસે વધુ અધિકારો છે.”
આ પણ વાંચો…બળાત્કારી અને હત્યારો રામ રહીમ 15મી વખત જેલની બહાર આવ્યો! 40 દિવસના પેરોલ મળ્યા



