
નવી દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આરોગ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અચાનક રાજીનામાએ રાજકીય વર્તુળોમાં અટકળો અને ચર્ચાઓનો દોર શરૂ કર્યો છે. વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ, આ ઘટનાથી આશ્ચર્યમાં છે, કારણ કે ધનખડે રાજીનામાનો કોઈ સંકેત આપ્યો ન હતો.
જગદીપ ધનખડે સોમવારે આરોગ્યના કારણો દર્શાવી રાજીનામું આપ્યું, જેનાથી વિપક્ષી નેતાઓ આશ્ચર્ય પામ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું કે તેમણે સાંજે 7:30 વાગ્યે ધનખડ સાથે ફોન પર વાત કરી હતી, જ્યારે ધનખડ પોતાના પરિવાર સાથે હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ આવતીકાલે વધુ ચર્ચા કરશે. આ ઉપરાંત, સાંજે 5 વાગ્યે જયરામ રમેશ, પ્રમોદ તિવારી અને અખિલેશ પ્રસાદ સિંહે ધનખડ સાથે મુલાકાત કરી હતી, ઉલ્લેખનીય છે કે, મુલાકાત સમયે બધું સામાન્ય હોવાની માહિતી મળી રહી છે. ધનખડે બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠક મંગળવારે સવારે 10 વાગ્યે યોજવાની વાત પણ કરી હતી.
ધનખડના રાજીનામા પહેલાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ હતી. સોમવારે બપોરે 2 વાગ્યે ધનખડે જસ્ટિસ વર્મા સામે વિપક્ષના 63 સભ્યો દ્વારા રજૂ કરાયેલા મહાભિયોગ પ્રસ્તાવના નોટિસને સ્વીકાર્યું હતું. આ સાથે લોકસભામાં પણ 100થી વધુ સાંસદોએ આ નોટિસ પર હસ્તાક્ષર કર્યા હોવાની વાતનો પણ ખુલ્લાસો થયો છે. ધનખડે આ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી અને કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને લોકસભામાં નોટિસની પુષ્ટિ કરવા જણાવ્યું. તેમણે સંયુક્ત સમિતિની રચના અને આગળની કાર્યવાહીની વાત પણ કરી, પરંતુ રાજીનામાનો કોઈ સંકેત આપ્યો ન હતો.
ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પહેલાની ગતિવિધિ
સાંજે સંસદમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહના કાર્યાલયમાં અસામાન્ય ગતિવિધિઓ જોવા મળી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમની પાસેથી ખાલી કાગળ પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં અટકળોને વેગ આપ્યો છે. વિપક્ષી સાંસદો મહાભિયોગ પ્રસ્તાવને રાજ્યસભામાં સૌથી પહેલાં લાવવા માટે ઉત્સાહિત હતા, કારણ કે રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ હોવાને કારણે પ્રોટોકોલમાં તેમનું સ્થાન સ્પીકર કરતાં ઉંચું છે.
ધનખડના રાજીનામાએ કોંગ્રેસ અને ઈન્ડિયા બ્લોકના સભ્યોને મૂંઝવણમાં મૂક્યા છે. રાજ્યસભાના અગાઉના સત્રોમાં ધનખડે બંને પક્ષોની નારાજગીનો સામનો કર્યો હતો. વિપક્ષે તેમના પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો અને તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો, જે ઉપસભાપતિએ નકારી કાઢ્યો હતો. હવે ધનખડના રાજીનામા બાદ ઈન્ડિયા બ્લોકના નેતાઓની મંગળવારે સવારે 10 વાગ્યે બેઠક યોજાશે, જેમાં આ નવી પરિસ્થિતિ પર ચર્ચા થશે અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો…સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું…