
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિપદેથી જગદીપ ધનખડે સોમવારે રાજીનામું આપ્યાના બે જ દિવસ પછી સત્તાવાર રીતે નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂકની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે, જે સંદર્ભે ગૃહ મંત્રાલયે આ રાજીનામાની જાણકારી ચૂંટણી પંચને પણ આપી છે. હવે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જ્યારે ટૂંક સમયમાં ચૂંટણીની તારીખ જાહેર કરી શકાય છે. જોકે, આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં નવા ઉમેદવારોને લઈને ચર્ચાઓને વેગ આપ્યો છે.
ચૂંટણી પંચે એક પ્રેસ નોટ જારી કરીને જણાવ્યું છે કે ગૃહ મંત્રાલયે 22 જુલાઈના ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થયાની સૂચના આપવામાં આવી હતી. આર્ટિકલ 324 હેઠળ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિના નિર્દેશનમાં કરવામાં આવે છે. પંચે જણાવ્યું કે હાલ તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં અનેક મહત્વના પગલાં લેવાશે, જેમાં ‘ઇલેક્ટોરલ કૉલેજ’ની રચના પણ સામેલ છે.
આ પણ વાંચો: શું પક્ષપલટાનું પરિણામ છે ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું? સત્યાપાલ મલિક, મેનકા બાદ ધનખડ ધકેલાયા હાંસિયામાં…
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે લોકસભા અને રાજ્યસભાના સાંસદોની એક મતદારયાદી તૈયાર કરવામાં આવશે, જેને ‘ઇલેક્ટોરલ કૉલેજ’ કહેવામાં આવે છે. રાજ્યસભાના નામાંકિત સભ્યોને પણ આ ચૂંટણીમાં મતદાનનો અધિકાર હોય છે. ચૂંટણી પંચે જણાવ્યું કે ચૂંટણી પહેલાં રિટર્નિંગ ઑફિસર અને સહાયક રિટર્નિંગ ઑફિસરની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત, અગાઉની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઓ સાથે જોડાયેલી સામગ્રી તૈયાર કરીને તેનું વિતરણ પણ કરવામાં આવશે.
જગદીપ ધનખડના રાજીનામાં બાદ નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાજકીય ગણતરીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યસભાના વર્તમાન ડેપ્યુટી ચેરમેન હરિવંશનું નામ એનડીએના સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચામાં છે. હાલ લોકસભા અને રાજ્યસભાના કુલ 786 સાંસદ છે, જેમાંથી એનડીએ પાસે 422 સાંસદની બહુમતી છે. જો વિપક્ષે ઉમેદવાર ન ઊભો કર્યો તો નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બિનહરીફ થઈ શકે છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ધનખડના રાજીનામાનો બહુ વસવસો કરવા જેવો નથી…
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એ દેશની રાજકીય વ્યવસ્થાનો મહત્વનો હિસ્સો છે, અને ચૂંટણી પંચ આ પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી રીતે પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ઇલેક્ટોરલ કૉલેજની તૈયારીથી લઈને ચૂંટણીની તારીખની જાહેરાત સુધી આગામી દિવસોમાં આ પ્રક્રિયા ઝડપથી આગળ વધશે. રાજકીય પક્ષો અને લોકો નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગીને લઈને ઉત્સુક છે, અને આ ચૂંટણી દેશના રાજકીય ભાવિને નવી દિશા આપી શકે છે.