ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી આવતીકાલે; સીપી રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત, છતાં સુદર્શન રેડ્ડીને આશા | મુંબઈ સમાચાર
નેશનલ

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી આવતીકાલે; સીપી રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત, છતાં સુદર્શન રેડ્ડીને આશા

નવી દિલ્હી: જગદીપ ધનખરના રાજીનામા બાદ દેશનું ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી પડેલું છે, આ પદ ભરવા માટે આવતી કાલે મંગળવારે ચૂંટણી (vice President election) યોજવાની છે. સત્તાધારી ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA)એ તમિલનાડુ મૂળના અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન(C. P. Radhakrishnan)ને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે વિપક્ષના ગઠબંધન ‘ઈન્ડિયા’એ તેલંગાણાના બી. સુદર્શન રેડ્ડી(B. Sudershan Reddy)ને મેદાને ઉતાર્યા છે. સંસદના બંને ગૃહોમાં NDAની બહુમતી છે, જેથી રાધાકૃષ્ણન ચૂંટણી જીતે એ લગભગ નિશ્ચિત જ છે, પરંતુ સુદર્શન રેડ્ડી પણ મજબુત ટક્કર આપશે, તેમણે સાંસદોના ‘અંતરાત્માનો અવાજ’ પર વિશ્વાસ કર્યો છે.

શું છે નંબર ગેમ?

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે લોકસભા અને રાજ્યસભાના સાંસદો મતદાન કરે છે. બંને ગૃહો મળીને કુલ સાંસદોની સંખ્યા 781 છે, જીત માટે 392 સાંસદોના મતની જરૂરી છે. NDAના રાધાકૃષ્ણનને 439 અને ઇન્ડિયા બ્લોકના સુદર્શન રેડ્ડીને 324 સાંસદોનું સમર્થન મળવાની અપેક્ષા છે.

લોકસભામાં સ્પીકરને બાદ કરતા કુલ 542 સભ્યો છે, જેમાં NDAના 293 અને વિપક્ષ 234 સભ્યો છે, જયારે 15 અન્ય સભ્યો છે. બીજી તરફ રાજ્યસભામાં કુલ બેઠકો 245 છે, જેમાંથી હાલ 6 બેઠકો ખાલી પડી છે, આમ હાલ રાજ્યસભામાં 239 સભ્યો છે, જેમાં NDAના132 અને વિપક્ષના 77 સભ્યો છે અને અન્યના 30 અન્ય સભ્યો છે.

આમ લોકસભા અને રાજ્યસભા સાંસદો મળીને NDA પાસે 425 સાંસદો છે, તેથી NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનની જીત સ્પષ્ટ દેખાય રહી છે. પરંતુ આ આંકડો 2022 માં NDA ઉમેદવાર જગદીપ ધનખડને મળેલા 528 મતો કરતા ઘણો ઓછો છે.

NDA અને ઇન્ડિયા ગઠબંધન સ્થિતિ મજબુત કરવા પ્રયત્ન કરશે:

કુલ 18 સાંસદોએ કોને સમર્થન આપશે એની જાહેરાત કરી નથી. બીજેડીનાં સાત, બીઆરએસનાં ચાર, અકાલી દળ, ઝેડપીએમ અને વીઓટીટીપીનાં એક-એક સાંસદ અને ત્રણ અપક્ષ સાંસદોએ હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. NDA અને ઇન્ડિયા ગઠબંધન આ સાંસદોને રીજવવા પ્રયત્નો કરી રહ્યા છે.

ભાજપ પી રાધાકૃષ્ણનની જીતનું માર્જિન વધારવા માટે અન્ય સાંસદોના મત મેળવવા પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે ‘ઇન્ડિયા’ બ્લોક તેના ઘટક પક્ષોને એકજુટ રાખવાનો પ્રયત્ન કરશે, તેમના ઉમેદવાર તેલુગુ હોવાથી YSRCP જેવા પક્ષોના સાંસદોના મત મેળવવાના પ્રયત્નો કરશે. સુદર્શન રેડ્ડી તાજેતરમાં જગન મોહન રેડ્ડી સાથે મળ્યા, પરંતુ જગન મોહન રેડ્ડી પહેલાથી જ NDAને ટેકો જાહેર કરી ચુક્યા છે.

વિપક્ષ આશા રાખી રહ્યો છે કે કેટલાક સાંસદો તેમના ‘અંતરાત્માના અવાજ’ને મતદાન કરી શકે છે, જેને કારને અપેક્ષિત આંકડાઓ બદલાઈ શકે છે. મતદાન પ્રક્રિયા અંગે સાંસદોને માહિતગાર કરવા માટે ભાજપે તેના તમામ સાંસદો માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું. આ દરમિયાન NDA નેતૃત્વએ કોઈપણ બેદરકારી ટાળવા સાંસદોને સાવધ રહેવા જણાવ્યું.

આપણ વાંચો:  કૌભાંડી મેહુલ ચોકસીને તિહાર જેલમાં સતત સારવાર સહિતની કઈ કઈ સવલતો અપાશે ? ભારતે બેલ્જિયમને કરી જાણ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button