ભાજપે દરેક સાંસદને આ કામ માટે આપ્યા 15 કરોડ રૂપિયા, ટીએમસીના સાંસદનો દાવો કેટલો સાચો?

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી બાદ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપે ચૂંટણી જીતવા માટે સાંસદોના વોટ ખરીદ્યા છે. આ આરોપો એવા સમયે આવ્યા છે જ્યારે ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકના ઉમેદવારને અપેક્ષા કરતા ઓછા વોટ મળ્યા. આ ઘટનાએ રાજકીય વિવાદને જન્મ આપ્યો છે અને ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉભા થયા છે.
ભાજપ પર વોટ ખરીદવાનો આરોપ
બુધવારે કોલકાતામાં ટીએમસીના નેતા અભિષેક બેનર્જીએ દાવો કર્યો કે, ભાજપે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વોટ ખરીદવા માટે દરેક સાંસદને 14થી 15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને 452 વોટ મળ્યા, જ્યારે ઈન્ડિયા બ્લોકના બી. સુદર્શન રેડ્ડીને 300 વોટ મળ્યા. 14 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો નહીં, અને 15 વોટ અમાન્ય જાહેર થયા. અભિષેકે કહ્યું કે આ ગુપ્ત મતદાન હોવાથી ક્રોસ-વોટિંગ થયું કે વિપક્ષના વોટ રદ થયા તે કહેવું મુશ્કેલ છે.
ટીએમસીનો દાવો
અભિષેક બેનર્જીએ ભાજપ પર એવો આક્ષેપ કર્યો કે ટીએમસીના તમામ 41 સાંસદોએ (28 લોકસભા અને 13 રાજ્યસભા) ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર માટે મતદાન કર્યું. તેણે શંકા વ્યક્ત કરી કે 15 અમાન્ય વોટમાંથી કેટલાક વિપક્ષના હોઈ શકે, અથવા 5-7 સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું હોઈ શકે. તેણે ભાજપ પર ભૂતકાળમાં પણ આવા પૈસા દઈ વોટ ખરીદ્યા હોવાનો આરોપ લગાવ્યો, ખાસ કરીને 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અને મહારાષ્ટ્ર-ઝારખંડની ચૂંટણીઓમાં. તેણે કહ્યું કે ભાજપે પોલિંગ એજન્ટોને ખરીદવા માટે પણ હજારો રૂપિયા ખર્ચ્યા છે, પરંતુ બંગાળની જનતાએ ટીએમસીને સમર્થન આપ્યું હતું.
અભિષેકે મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR)નો વિરોધ કરતાં કહ્યું કે ટીએમસી આ મુદ્દે કોર્ટની અંદર અને બહાર લડશે. તેમણે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા અને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે આધારને ઓળખના પુરાવા તરીકે સ્વીકારવાનું ફરજિયાત નથી. તેમણે કહ્યું કે જો મતદાર યાદી અમાન્ય હોય, તો 2024ની ચૂંટણીમાં ચૂંટાયેલી સરકાર, વડાપ્રધાન અને મંત્રીમંડળ પણ અમાન્ય છે. આવા સંજોગોમાં લોકસભા ભંગ કરીને દેશભરમાં SIR કરાવવું જોઈએ, અને ટીએમસી આનું સમર્થન કરશે.
આપણ વાંચો: પટનામાં RJD નેતાની ગોળી મારી હત્યા; ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા પર સવાલ…