દિગ્ગજ નિર્માતા-અભિનેતા ધીરજ કુમારનું નિધનઃ ‘રોટી કપડા ઔર મકાન’, ‘ક્રાંતિ’ ફિલ્મોમાં કામ કરીને જાણીતા બન્યા હતા

મુંબઈ: દિગ્ગજ અભિનેતા અને નિર્માતા ધીરજ કુમારનું 79 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું. ધીરજ કુમારે આજે 11:40 વાગ્યે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આજે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ન્યુમોનિયાને કારણે તેમની હાલત ગંભીર થઈ હતી, ત્યારબાદ તેમને આઈસીયુમાં ખસેડ્યા અને વેન્ટિલેટર પર રાખ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહીં.
ફિલ્મ અને ટીવીમાં કારકિર્દી
ધીરજ કુમારે મૉડેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ફિલ્મફેર ટેલેન્ટ હન્ટમાં રાજેશ ખન્ના અને સુભાષ ઘઈ બાદ તેમને ત્રીજું સ્થાન મળ્યું હતું. 1960માં પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી અને અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે રાતો કે રાજા, રોટી કપડા ઔર મકાન, સ્વામી, ક્રાંતિ, હીરા પન્ના વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું. 1970થી 1985 દરમિયાન તેમણે ‘સરગમ’, ‘ક્રાંતિ’, ‘પુરાના મંદિર’ અને ‘બેપનાહ’ જેવી ફિલ્મોમાં પોતાના આગવા અભિનયથી લોકોના દિલ જીત્યા હતા. ત્યાર બાદ તેમણે ક્રિએટિવ આઈ પ્રોડક્શન હાઉસની સ્થાપના કરી અને ‘ઓમ નમઃ શિવાય’, ‘શ્રી ગણેશ’, ‘મન મેં હૈ વિશ્વાસ’ અને ‘ઇશ્ક સુભાન અલ્લાહ’ જેવા લોકપ્રિય ટીવી શોનું નિર્માણ કરીને લોકચાહના મેળવી હતી.
આપણ વાંચો: જમ્મુ કાશ્મીરના ડોડામાં ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત 17 ઘાયલ
પરિવાર અને ચાહકોમાં શોક
ધીરજ કુમારના નિધનથી ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં શોકની લહેર છવાઈ છે. તેમના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું કે તેઓ ધીરજના ઝડપી સ્વસ્થ થવાની આશા રાખતા હતા, પરંતુ દુઃખદ રીતે તે શક્ય બન્યું નહીં. ચાહકો અને સાથી કલાકારો સોશિયલ મીડિયા પર તેમના યોગદાનને યાદ કરી રહ્યા છે.