વારાણસી કોર્ટે ASI પુરાવા સાચવવાની પરવાનગી આપી, મુસ્લિમ પક્ષની અરજી ફગાવી…
જ્ઞાનવાપી કેસ: જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષે વારાણસીની કોર્ટમાં અરજી કરી હતી કે ASI ને સર્વે દરમિયાન મળેલા પુરાવા સાચવવા ના જોઈએ. જોકે આજે વારાણસી કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી અને ASI ને સર્વે દરમિયાન મળેલા પુરાવા સાચવવાનો આદેશ આપ્યો હતો તેમજ અગાઉના ચુકાદાને સંલગ્ન ચુકાદો આપતા કોર્ટે જણાવ્યું હતું કે સર્વે પર કોઈ પ્રકારનો પ્રતિબંધ કરવામાં નહિ આવે.
જિલ્લા અદાલતે ASI સર્વે ફી ન ચૂકવવાને કારણે સર્વે અટકાવવાની વાતને નકારી કાઢી હતી. કોર્ટે આ આદેશને રાખી સિંહના આદેશ સાથે મર્જ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાખી સિંહના મામલામાં જિલ્લા અદાલત પહેલા જ આદેશ આપી ચૂકી છે. જ્ઞાનવાપીમાં સર્વે ત્યારે શરૂ થયો હતો જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો અને ચુકાદો આપ્યો હતો કે આ પગલું ‘ન્યાયના હિતમાં જરૂરી છે’ અને તેનાથી હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને ફાયદો થશે.
જ્ઞાનવાપી કેસમાં વારાણસી જિલ્લા અદાલતના નિર્ણયથી મુસ્લિમ પક્ષને આંચકો લાગ્યો હતો.
ASI પુરાવા સાચવવા મંદિર પક્ષની માગણી પર ચુકાદો આપતાં જિલ્લા અદાલતે પુરાવા સાચવી રાખવાનો આદેશ આપ્યો હતો. ASI ટીમ જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરી રહી છે જેના દ્વારા એ નક્કી કરવામાં આવશે કે 17મી સદી પહેલાથી અસ્તિત્વમાં રહેલા હિન્દુ મંદિરના માળખા પર મસ્જિદ બનાવવામાં આવી હતી કે કેમ?
ઉલ્લેખનીય છે કે આ પહેલા વારાણસીની કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ પૂર્ણ કરવા અને તેનો રિપોર્ટ રજૂ કરવા માટે આઠ અઠવાડિયાનો વધારાનો સમય આપ્યો હતો. સરકારી વકીલ રાજેશ મિશ્રાએ જણાવ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશ એ.કે. વિશ્વેશે મસ્જિદની મેનેજમેન્ટ કમિટીના વાંધાને નકારી કાઢ્યો અને જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના સર્વેની કામગીરી પૂર્ણ કરવા માટે ASIને વધુ આઠ અઠવાડિયાનો સમય આપ્યો છે.