Top Newsનેશનલ

Explainer: ‘વંદે માતરમ્’@150: આઝાદીની ચળવળમાં આ ગીત કેવી રીતે બન્યું ક્રાંતિકારીઓનું પ્રેરણાસ્ત્રોત?

‘Vande Mataram’@150: ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સ્વતંત્રતા સૈનિકોને સર્વોચ્ચ બલિદાનની પ્રેરણા પૂરી પાડનારું રાષ્ટ્રીય પ્રેરણાગાન ‘વંદે માતરમ્’ ભારતીય સંસ્કૃતિનું અણમોલ રત્ન છે. સ્વતંત્ર ભારતમાં આ ગીતને રાષ્ટ્રગીત (જન ગણ મન) ની સમકક્ષ સમાન આદર અને માન્યતા પ્રાપ્ત છે. આ દેશભક્તિનું ગીત બંગાળના જાણીતા સાહિત્યકાર બંકિમચંદ્ર ચૅટરજી દ્વારા મૂળ સંસ્કૃતમાં રચાયું હતું. એવું કહેવાય છે કે, જ્યારે તેમની નાનકડી દીકરીએ માતૃભૂમિ કેવી છે? એવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે તેના પ્રત્યુત્તર રૂપે પિતાએ આ કાવ્યની રચના કરી હતી.

‘વંદે માતરમ’ કેવી રીતે બન્યું રાષ્ટ્રગીત?

બંકિમચંદ્ર ચૅટરજી દ્વારા રચિત આ કાવ્યમાં કવિએ ભારતીય ધરતીને માતાના સ્વરૂપમાં કલ્પી હતી અને, તેના સૌંદર્યનું અવર્ણનીય વર્ણન કર્યું હતું. જેમાં નદી-સરોવરો, ફળફળાદિનાં વૃક્ષો, નીલવર્ણાં ખેતરો અને શીત પવનલહરીથી શોભાયમાન, સુખદાયી માતૃભૂમિની વાત કરવામાં આવી હતી. આ ગીત સૌપ્રથમ બંકિમચંદ્રના માસિક સામયિક ‘બંગદર્શન’માં તેમની ધારાવાહિક નવલકથા ‘આનંદમઠ’ના એક પ્રસંગને અનુરૂપ સમૂહપ્રાર્થના રૂપે ઈ. સ. 1877ના 30મી ડિસેમ્બરના અંકમાં પ્રકાશિત થયું. નવલકથાસ્વરૂપે ‘આનંદમઠ’ 1882માં પ્રકાશિત થઈ. ઢાકાથી પ્રગટ થતા ‘બાંધવ’ સામયિકમાં કાલિપ્રસન્ન ઘોષે છેક 1883માં જ ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત તરીકે ઓળખાવ્યું હતું.

19 જુલાઈ 1905ના રોજ લોર્ડ કર્ઝને બંગાળના ભાગલાની જાહેરાત કરી, જેના વિરોધમાં 7 ઓગસ્ટ 1905ના રોજ કોલકાતાના ટાઉનહૉલમાં આ ગીતનું પહેલીવાર જાહેરમાં ગાન કરાયું હતું. જેની સાથે ‘વંદે માતરમ્’ ગીત બંગભંગના આંદોલનનું મુખ્ય સૂત્ર બની ગયું હતું. 8 નવેમ્બર 1905ના રોજ પૂર્વ બંગાળના મુખ્ય સચિવ પી. સી. લોયને આ ગીત ગાવા કે તેની ઘોષણા કરવા પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર કમિશ્નરને મોકલ્યો હતો. પરંતુ આ નાફરમાનીએ ગીતને વધુ લોકપ્રિય બનાવ્યું અને દેશભક્તોના હૃદયમાં રાષ્ટ્રભક્તિની જ્વાળા પ્રગટાવી હતી. વડોદરા કૉલેજના અધ્યાપક અરવિંદ ઘોષે નોકરી છોડી 1906માં ‘વંદે માતરમ્’ નામનું અંગ્રેજી સામયિક શરૂ કર્યું અને તેમણે ગીતનો પદ્ય અને ગદ્યમાં અંગ્રેજી અનુવાદ પણ કર્યો, જે મૂળ સર્જન જેટલો જ માતબર ગણાય છે.

ડિસેમ્બર 1905માં વારાણસી ખાતે રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનમાં બ્રિટિશ સરકારની નાફરમાની હોવા છતાં, સરલાદેવીએ લોકોના આગ્રહને વશ થઈ આખાયે ગીતનું ગાન કર્યું હતું. 7 ઑગસ્ટ 1906ના રોજ સુરેન્દ્રનાથ બૅનરજીએ કોલકાતા ખાતે જે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો, તેના વચ્ચેના પીળા રંગના પટ્ટા પર ‘વંદે માતરમ’ શબ્દો દેવનાગરી લિપિમાં અંકિત હતા. વિદેશમાં ફાંસીના માંચડે ચડતા પહેલા મદનલાલ ઢીંગરાના ‘વંદે માતરમ્’નો નારો લગાવ્યો હતો. આમ, દેશના ક્રાંતિવીરો માટે આ નાદ પ્રાણથીયે અધિક પ્યારો બન્યો હતો.

‘વંદે માતરમ’ ગીતને લઈને સાંપ્રદાયિક વિવાદ

સૌપ્રથમ 1876માં જદુનાથ ભટ્ટાચાર્યે (‘યદુ ભટ્ટ’) રાગ દેસમલ્હારમાં આ ગીતની સ્વરરચના કરી હતી. ત્યારબાદ પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કર, વસંત દેસાઈ, એમ.એસ. સુબ્બલક્ષ્મી, દિલીપકુમાર રૉય, અને તિમિરબરને રાગ દુર્ગામાં સ્વરરચના કરી હતી, જે કૂચ ગીત તરીકે સુભાષચંદ્ર બોઝને પ્રિય હતું અને આઝાદ હિંદ ફોજના રેડિયો પરથી પ્રસારિત થતું. 1919માં હિન્દુ-મુસ્લિમ સંબંધો અંગે ચકમક ઝરતા આ ગીત વિરોધનું નિશાન બન્યું. 1937માં, કોંગ્રેસ કાર્યકારિણીએ હિન્દુ દેવદેવીઓનો ઉલ્લેખ કરતી પાછળની કડીઓને અલગ કરીને માત્ર પહેલી બે કડીઓ ગાવાનો નિર્ણય લીધો હતો. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણસભામાં ડૉ. રાજેન્દ્રપ્રસાદે ‘જનગણમન’ને અધિકૃત રાષ્ટ્રગીત જાહેર કર્યું, પરંતુ સાથે જ જણાવ્યું કે ‘વંદે માતરમ્’ને પણ ‘જનગણમન’ જેટલો જ સમાન આદર અને માન્યતા પ્રાપ્ત થશે. આમ, ‘જનગણમન’ રાષ્ટ્રગીત (National Anthem) અને ‘વન્દે માતરમ્’ રાષ્ટ્રીય પ્રેરણાગીત (National Song) તરીકે સ્વીકૃતિ પામ્યું.

આઝાદી પછી ‘વંદે માતરમ્’ ગીતનો પ્રભાવ

15 ઓગસ્ટ 1947ના રોજ સંસદની પ્રથમ બેઠકમાં પંડિત ઓમકારનાથ ઠાકુર અને હીરાબાઈ બડોદેકરે યુગલ સ્વરોમાં ‘વન્દે માતરમ્’ ગાઈને આઝાદીનું સ્વાગત કર્યું. 15 ઑગસ્ટ 1947થી આકાશવાણીના કાર્યક્રમોનો શુભારંભ ‘વંદે માતરમ્’ના ગાનથી શરૂ થયો, જે પરંપરા આકાશવાણી અને બાદમાં દૂરદર્શન દ્વારા જાળવવામાં આવી છે. 1976માં ગીતના શતાબ્દિ સમારોહની અનન્ય યાદગીરી રૂપે ભારત સરકારે આ ગીતની ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ‘વંદે માતરમ્’ ગીત આજે પણ જુદા જુદા રાગમાં, જુદા જુદા કલાકારો દ્વારા પ્રસ્તુત થતું રહ્યું છે અને છ જેટલાં ચલચિત્રોમાં પણ તેની રજૂઆત થઈ છે.

આપણ વાંચો:  ગુજરાત વિધાનસભા પરિસરમાં વંદે માતરમનું સામૂહિક ગાન – સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ લેવાયા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button