નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલય નવા વર્ષમાં દેશને મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. વંદે ભારત ટ્રેનોની ઝળહળતી સફળતા બાદ ભારતીય રેલવે હવે વંદે ભારત સ્લીપર ટ્રેનો શરૂ કરશે. વંદે ભારત સ્લીપર ટ્રેન ફેબ્રુઆરી 2024 થી કાર્યરત થશે. વંદે ભારત સ્લીપર ટ્રેનની ડિઝાઈનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ટ્રેનો ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે અને આ મહિનામાં ટ્રાયલ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.
કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વંદે ભારત સ્લીપર ટ્રેનની ડિઝાઈન અને પ્રોટોટાઈપ તૈયાર થઈ ગઈ છે. આ વર્ષના અંત સુધીમાં સ્લીપર કોચ તૈયાર થઈ જશે. આ ટ્રેનોની ટ્રાયલ ડિસેમ્બરમાં જ થશે અને તેનું સંચાલન ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. વંદે ભારત સ્લીપર ટ્રેન 20માં થી 22 કોચ હશે. આ ટ્રેનનો રૂટ કેવો હશે અને ટ્રેનનો રંગ કેવો હશે, તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે યાત્રીઓની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રેલવે વંદે ભારત સ્લીપરને લઈને મિશન મોડમાં કામ કરી રહી છે.
ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી(ICF) માં વર્તમાન સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેનોનું ઉત્પાદન કરવામાં આવે છે. વંદે ભારત ટ્રેનોના નિર્માણ માટે રેલવેએ રશિયા સાથે પણ હાથ મિલાવ્યા છે. રશિયન કંપની સાથે મળીને 120 વંદે ભારત ટ્રેનો તૈયાર કરવાની યોજના છે. રેલવેએ વંદે ભારત એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ કોચમાં સુવિધાઓ વધારી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલી વંદે ભારત ટ્રેનમાં ઘણી નવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે. ખાસ કરીને વિકલાંગ મુસાફરો માટે રેમ્પ અને વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. રિક્લાઇન એંગલ અને સીટ કુશનને સોફ્ટ બનાવવામાં આવ્યા છે. મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટના એંગલને વધુ સુધારેલ છે. આ ઉપરાંત ફૂટ રેસ્ટનું વિસ્તરણ પણ વધારવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વધુ સુવિધા મળી શકે. હાલમાં દેશમાં 33 વંદે ભારત એક્સપ્રેસ ચાલી રહી છે.
Taboola Feed