ભારતીય રેલવેની આ ટ્રેન ડિસેમ્બર સુધી થઈ શકે છે શરૂ, જાણો કેવી હશે સુવિધાઓ
નવી દિલ્હી : ભારતીય રેલ્વેની પ્રથમ વંદે ભારત(Vande Bharat)સ્લીપર ટ્રેન વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે. વર્ષ 2019માં શરૂ થયેલી ચેર-કાર ટ્રેન પછી વંદે ભારત શ્રેણીની આ ત્રીજી આવૃત્તિ હશે. વંદે ભારત સ્લીપર ટ્રેનની પ્રથમ ટ્રેન ગુજરાતમાં ચાલે તેવી સંભાવના છે. જોકે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી
આ ટ્રેનનું બે મહિના સુધી પરીક્ષણ કરાશે
આ અંગે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈના જનરલ મેનેજર યુ સુબ્બા રાવે જણાવ્યું હતું કે વંદે ભારતની પ્રથમ સ્લીપર ટ્રેન બેંગલુરુમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડ પ્લાન્ટમાંથી 20 સપ્ટેમ્બર સુધીમાં રવાના થવાની અપેક્ષા છે. તેની બાદ તેનો ટ્રાયલ રન લેવામાં આવશે. આ ટ્રાયલ એક થી બે મહિના સુધી ચાલશે. તેમણે કહ્યું કે હાઇ-સ્પીડ ટ્રેનની ટ્રાયલ નોર્થ વેસ્ટર્ન રેલવે ઝોન દ્વારા હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
વંદે ભારત સ્લીપરમાં શું હશે ખાસ ?
ભારતીય રેલની આધુનિક ચેરકાર વંદે ભારત ટ્રેનને મળેલા પ્રતિસાદના આધારે અવાજ ઘટાડવા અને ઢોર અથડામણને સમયે ટ્રેન સારી રીતે ટકી શકે તે માટે ફ્રંટ નોઝ કોનને વધુ મજબૂત કરવા માટે સુધારા કરવામાં આવી રહ્યા છે. આ ટ્રેન કવચ બચાવ સિસ્ટમથી સજ્જ હશે.
આ પણ વાંચો: વાપી નજીક વંદે ભારત ટ્રેનને નડયો અકસ્માત: બે પશુઓના મોત
સ્ટેનલેસ સ્ટીલ કારની બોડી
જ્યારે અન્ય વિશેષતાઓમાં સ્ટેનલેસ સ્ટીલ કારની બોડી, ક્રેશ-લાયક પેસેન્જર પ્રોટેક્શન, GFRP ઈન્ટિરિયર પેનલ્સ, એરોડાયનેમિક ડિઝાઈન, મોડ્યુલર પેન્ટ્રી, ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ (EN 45545), વિકલાંગ મુસાફરો માટેની સુવિધાઓ, ઓટોમેટિક દરવાજા, સેન્સર આધારિત ઇન્ટરકોમ્યુનિકેશન, ફાયર પ્રૂફ દરવાજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અર્ગનોમિક ટોઇલેટ સિસ્ટમ, યુએસબી ચાર્જિંગ સાથે રીડિંગ લાઇટ પણ હશે.
યુરોપની નાઈટજેટ સ્લીપર ટ્રેનનો અનુભવ કરાવવાની યોજના
વંદે ભારત સ્લીપરમાં ભારતીય રેલ્વે મુસાફરોને યુરોપની નાઈટજેટ સ્લીપર ટ્રેનની જેમ રાત્રિ મુસાફરીમાં વિશ્વ-કક્ષાનો પ્રવાસ અનુભવ કરાવવાની યોજના ધરાવે છે. રાત્રે લાઇટ બંધ હોય ત્યારે શૌચાલયમાં જતા મુસાફરો માટે સીડીની નીચે ફ્લોર પર એલઇડી સ્ટ્રિપ્સ હશે. ટ્રેન એટેન્ડન્ટ્સ માટે અલગ બર્થ પણ હશે.
ડિસેમ્બર 2024 સુધીમાં ટ્રેન દોડાવવાની અપેક્ષા
16-કાર વંદે ભારત સ્લીપર ટ્રેન સેટના 10 રેકના ડિઝાઇન અને ઉત્પાદન માટે વર્ષ 2023માં BEML લિમિટેડને ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ 160-180 kmph હશે. ટ્રાયલ રન પછી તેને ડિસેમ્બર 2024 સુધીમાં કાર્યરત કરી શકાશે.