વધાઈયુંઃ ગુજરાતનાં આ શહેરને પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેન મળવાની પૂરી શકયતા
ભુજ: રાજ્યમાં પહેલી હાઈ સ્પીડ વંદે ભારત મેટ્રો ટ્રેન (Vande Bharat high speed metro train) આવી ગઈ છે. અમદાવાદના સાબરમતી યાર્ડમાં પહેલી મેટ્રો આવી ગઈ છે ત્યારે ગુજરાતના ક્યા બે શહેરો વચ્ચે દોડશે તે જાણવાની ઉત્કંઠા બધાને છે. આમ તો આ ટ્રેન જામનગર અને સુરત વચ્ચે ચાલશે, તેવી માહિતી અગાઉ વહેતી થઈ હતી, પણ હવે આ રૂટ્સમાં ભુજ અને ગાંધીનગરનું નામ જોડાતા કચ્છવાસીઓ ખુશ થઈ ગયા છે અને તેમને આ ટ્રેન મળે તેવી આશા સેવી રહ્યા છે.
આ હાઈસ્પીડ મેટ્રો ટ્રેનને જામનગર-સુરત વચ્ચે દોડાવાય તેવી શક્યતાઓ છે પણ આ રૂટ પર પહેલાંથી જ ઈન્ટરીસીટી દોડે છે તેથી ભુજ ગાંધીનગર રૂટ પર અત્યારે દોડતી ઈન્ટરસીટી ટ્રેનના સ્થાને રેલવે તંત્ર વંદે ભારત મેટ્રો ટ્રેન દોડાવે તેવી ઉજળી શક્યતા ઉભી થઇ છે.
વંદે ભારત એક્સપ્રેસની જેમ નવી મેટ્રો ટ્રેન પણ સંપૂર્ણ વાતાનુકૂલિત છે. તેમાં ઑટોમેટિક ડૉર, સીસીટીવી કેમેરા, પેનિક બટન, એલઈડી ડિસ્પ્લે, રૂટ ઈન્ડિકેટર ડિસ્પ્લે, ટોઈલેટ, એલ્યુમિનિયમ લગેજ રૅક, મોબાઈલ ચાર્જીંગ સોકેટ, રોલર બ્લાઈન્ડ્સ સાથે બહારનો પેનોરેમિક વ્યૂ જોવા મળે તેવી કાચની બારીઓ વગેરેની સુવિધા હશે. ૧૨ કોચની ટ્રેનના પ્રત્યેક કોચમાં ૧૦૦ પ્રવાસી બેઠાં બેઠાં અને ૨૦૦ પ્રવાસી ઊભાં ઊભાં પ્રવાસ કરી શકશે. રેલવે પ્રશાસન ટ્રાફિક લોડ મુજબ કોચમાં વધ ઘટ પણ કરી શકશે. ટ્રેનમાં પ્રવાસ માટે આગોતરા રીઝર્વેશનની કોઈ જરૂર નહીં પડે.