ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, પાંચ લોકોના મોત બે ઘાયલ

નવી દિલ્હી : ઉત્તરાખંડમાં બદલાતા હવામાન અને ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર કાશીમાં મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. હેલિકોપ્ટરનો કાટમાળ જંગલની વચ્ચેથી મળી આવ્યો છે હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા. આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં 5 લોકોના મોતના સમાચાર છે. પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવમાં લાગી છે.
વહીવટીતંત્ર અને રાહત ટીમો હાજર
આ દુર્ઘટના અંગે ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડે જણાવ્યું છે કે ઉત્તરકાશી જિલ્લાના ગંગનાની નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાંચ મુસાફરોના મોત થયા છે. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળે વહીવટીતંત્ર અને રાહત ટીમો હાજર છે.
હેલિકોપ્ટર ગંગોત્રી જઇ રહ્યું હતું
જેમાં મળતી માહિતી મુજબ સવારે 9 વાગ્યે ગંગનાની નજીક એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ હેલિકોપ્ટર ગંગોત્રી તરફ જઈ રહ્યું હતું. મુસાફરો વિશે મળેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં વિનીત ગુપ્તા, અરવિંદ અગ્રવાલ, વિપિન અગ્રવાલ, પિંકી અગ્રવાલ, રશ્મિ અને કિશોર જાધવ સવાર હતા.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું
આ દુર્ઘટના અંગે ઉત્તરાખંડના સીએમ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ‘X’ પર લખ્યું – ‘ઉત્તરકાશીના ગંગનાની નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં કેટલાક લોકોના મોત થયાના ખૂબ જ દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. રાહત અને બચાવ કાર્ય માટે SDRF અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માઓને ભગવાન શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તેમજ ઘાયલોને શક્ય તમામ સહાય પૂરી પાડવા અને અકસ્માતની તપાસ કરવા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. આ સંદર્ભે હું સતત અધિકારીઓના સંપર્કમાં છું અને દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો….અવકાશમાં ભારતની જાસૂસી ક્ષમતા વધશે, પાંચ વર્ષમાં 52 સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કરશે…