Good News: કેદારનાથની યાત્રા કરવાનું બનશે સરળ, 9 કલાકની મુસાફરી ફક્ત 36 મિનિટમાં થઈ શકશે...
Top Newsનેશનલ

Good News: કેદારનાથની યાત્રા કરવાનું બનશે સરળ, 9 કલાકની મુસાફરી ફક્ત 36 મિનિટમાં થઈ શકશે…

કેદારનાથઃ દેવભૂમિ ઉતરાખંડમાં કેદારનાથ ધામ હિમાલયની ટોચ પર આવેલું હિંદુ ધર્મનું પવિત્ર યાત્રાધામ છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે જતાં હોય છે, પરંતુ અહીં સુધી પહોંચતા ચઢાણ, બદલાતી ઋતુ, વરસાદ, હિમવર્ષા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. યુવા શ્રદ્ધાળુઓ તો આ મુશ્કેલીઓથી પાર કરી શકે છે, પરંતુ વયોવૃદ્ધ અને બાળકો માટે આ યાત્રા વધારે મુશ્કેલ બની જાય છે, પરંતુ હવે એક ખુશીના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે.

4,000 કરોડના ખર્ચે 12.9 કિલોમીટરમાં રોપવે બનાવાશે
વિગતે વાત કરવામાં આવે તો આ યાત્રાને વધુ સરળ બનાવવા માટે અદાણી ગ્રુપ 4 હજાર કરોડ રૂપિયાના ખર્ચે અહીં 12.9 કિમી લાંબો રોપ-વે બનાવી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો, સોનપ્રયાગથી કેદારનાથની યાત્રા જેમાં પહેલા 8થી 9 કલાકનો સમય લાગતો હતો, જે આ રોપ-વે બાદ માત્ર 36 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે. આ રોપ-વેના કારણે વૃદ્ધો અને બાળકોને ઘણો ફાયદો થવાનો છે.

પુણ્યના આ કાર્યમાં ભાગીદાર બનવું ગૌરવની વાત
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ગૌતમ અદાણીએ આ પ્રોજેક્ટ અંગે જાણકારી આપી છે. એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે કેદારનાથ ધામમાં મુશ્કેલ ચઢાણ હવે સરળ બનશે. અદાણી ગ્રુપ શ્રદ્ધાળુઓની યાત્રાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે અહીં રોપ-વે બનાવી રહ્યું છે. પુણ્યના આ કાર્યમાં ભાગીદાર બનાવું અમારા માટે ગર્વની વાત છે’. ગૌતમ અદાણીએ એક્સ પર વીડિયો શેર કર્યો છે. જેમાં દેખાડવામાં આવ્યું છે. કેદારનાથ કરોડો હિંદુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.

પ્રતિ કલાકે 1,800 શ્રદ્ધાળુઓઓ યાત્રા કરી શકશે
આ રોપ-વેમાં દર એક કલાકે 1,800 શ્રદ્ધાળુઓઓ યાત્રા કરી શકશે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવશે. આ રોપ-વેના ગોંડોલામાં 35 લોકોની બેઠક ક્ષમતા હશે. મહત્વની વાત એ છે કે, આ દુનિયાનો સૌથી સુરક્ષિત અને આધુનિક ટેક્નોલોજી આધારિત ભારતનો પહેલા 3S (Tricable) રોપ-વે હશે. આ વીડિયોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ રોપ-વેના કારણે સમયની બચત થશે અને સુરક્ષિત રીતે યાત્રા પણ કરી શકાશે. આ રોપ-વેની મદદથી, વૃદ્ધો, બાળકો અને મહિલાઓ સરળતાથી મુસાફરી કરી શકશે, અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. જો કે, રોપ-વે ક્યારે તૈયાર થશે તે મામલે હજી કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો…કેદારનાથ યાત્રાના નામે સાયબર ફ્રોડ કરનાર ચાર આરોપી ઝડપાયા

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button