ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની ચૂંટણી: એનડીએના 10 અને સપાના ત્રણ ઉમેદવારે ફોર્મ ભર્યાં

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી માટે એનડીએના 10 અને સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવારે ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા દિવસે એટલે કે સોમવારે ઉમેદવારીપત્રકો ભર્યાં હતાં.
એનડીએના 10 ઉમેદવારોમાં ભાજપના સાત ઉમેદવારનો સમાવેશ થાય છે, જેમણે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી.
જે લોકોએ ઉમેદવારી નોંધાવી તેમાં ભૂતપૂર્વ પ્રધાનો મહેન્દ્ર સિંહ અને અશોક કટારિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિજય બહાદુર પાઠક (રાજ્ય ભાજપના ઉપાધ્યક્ષ), મોહિત બેનીવાલ, રામ તિરથ સિંઘલ (ઝાંસીના ભૂતપૂર્વ મેયર) અને ધર્મેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે.
ભાજપ ઉપરાંત અપના દલ (એસ)ના આશિષ પટેલ, રાષ્ટ્રીય લોક દળના યોગેશ ચૌધરી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)ના વિચ્છેલાલે પણ પોતાના ઉમેદવારી પત્રકો ભર્યાં હતાં.
મુખ્ય પ્રધાન ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાનો કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક, રાજ્ય ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચૌધરી અને એસબીએસપીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર પણ ઉમેદવારી પત્રક ભરતી વખતે હાજર હતા.
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ફખરુલ હસને કહ્યું હતું કે પાર્ટીના સિનિયર નેતાઓ બલરામ યાદવ, ભૂતપૂર્વ વિધાનસભ્ય શાહ આલમ ઉર્ફે ગુડ્ડુ જમાલી અને કિરણપાલ કશ્યપે પાર્ટીના ઉમેદવાર તરીકે સોમવારે વિધાન પરિષદની ચૂંટણી માટે ફોર્મ ભર્યાં હતાં. અહીં ઉલ્લેખનીય છે કે શાહ આલમ થોડા વખત પહેલાં જ બહુજન સમાજ પાર્ટી છોડીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા છે.
વિધાનપરિષદના 13 સભ્યોની મુદત આ વર્ષના મે મહિનામાં પૂરી થઈ રહી છે. ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 14 માર્ચ છે. આવશ્યક હશે તો 21 માર્ચે મતદાન કરવામાં આવશે અને તે જ દિવસે સાંજે પાંચ વાગ્યા પછી મતગણતરી કરવામાં આવશે. (પીટીઆઈ)