આ રીતે અમેરિકાએ તહવ્વુર રાણાને ભારતના અધિકારીઓને સોંપ્યો; જુઓ તસ્વીરો

નવી દિલ્હી: 26 નવેમ્બર 2002ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર હુસૈન રાણાને ગઈ કાલે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો (Tahawwur Rana Extradition), જેને ભારત સરકારની મોટી સફળતા માનવામાં આવી રહી છે. હાલ ભારતની વિવિધ તપાસ એજન્સીઓ તહવ્વુર રાણાની તપાસ કરી રહી છે. એવામાં યુએસ જસ્ટિસ ડીપાર્ટમેન્ટે આ પ્રત્યાર્પણ વિષે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. અમેરિકાએ રાણાના પ્રત્યાર્પણ સમયના કેટલાક ફોટોઝ પણ શેર કર્યા છે, જેમાં જોઈ શકાય છે કે રાણાને બેડીઓથી બાંધેલો છે અને તે અમેરિકન માર્શલ્સથી ઘેરાયેલો છે. આ સાથે અમેરિકાએ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં તે ભારતની સાથે ઉભું છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે મોડી રાત્રે પ્રત્યાર્પણ માંગે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે, “9 એપ્રિલના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સે તહવ્વુર હુસૈન રાણાને ભારતને સોંપ્યો, જેથી 2008ના ભયાનક મુંબઈ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાના તેના ગુનાઓ માટે ભારતમાં કેસ ચાલી શકે. આ હુમલાઓમાં 6 અમેરિકન નાગરિકો સહિત 166 લોકો માર્યા ગયા હતા.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટેના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સે હુમલા માટે જવાબદાર લોકો સામે પગલા ભરવા ભારતના પ્રયાસોને સતત સમર્થન આપ્યું છે.
આ પણ વાંચો: મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાને 18 દિવસના રિમાન્ડ અપાયા
રાણાને બેડીઓથી બાંધવામાં આવ્યો:
યુએસ દ્વારા રાણાના પ્રત્યાર્પણ સમયની જાહેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે રાણા કડક સુરક્ષા વચ્ચે ભારતના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. રાણાની કમરની આસપાસ બેડીઓ બાંધવામાં આવી હતી, અને યુ.એસ. માર્શલ્સે તેને ઘેરેલો હતો. જો કે ફોટોગ્રાફ્સમાં રાણાનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી, પરંતુ સ્થિતિ દર્શાવે છે કે કોઈપણ પ્રકારનું જોખમ ટાળવા માટે માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.

પટિયાલા કોર્ટે રાણાને 18 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. આ કસ્ટડીમાં રાણાને ઘણા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. અહેવાલ મુજબ પૂછપરછના પહેલા દિવસ દરમિયાન, રાણાને તેના પરિવાર વિશે વધુ પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. રાણાના અંગત જીવન વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. રાણાના પાકિસ્તાન આર્મી સાથે પણ ગાઢ સંબંધો રહ્યા છે.