ભારતને ધમકી આપવાની અમેરિકાની જૂની ટેવ: જાણો ક્યારે આપી કેવી ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાનો એકડો સાચો પાડવા માટે બીજા દેશોને અવારનવાર ધમકી આપતા રહે છે. વર્ષ 2025માં ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું અટકાવવા માટે અમેરિકાએ વધારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી અને ટેરિફ લાદ્યો પણ હતો. હવે વર્ષ 2026 શરૂ થવાની સાથે ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાની મનમાની શરૂ કરી દીધી છે. વેનેઝુએલા પર કરેલો હુમલો તેનું તાજું ઉદાહરણ છે. વેનેઝુએલા બાદ અમેરિકાની નજર મેક્સિકો પર છે. મેક્સિકોના ડ્રગ કાર્ટેલ્સને લઈને અમેરિકાએ મેક્સિકો પર હુમલો કરવાની ધમકી આપી છે. જોકે, ધમકી આપવી એ ડૉનાલ્ડ ટ્રમ્પ જ નહીં, અમેરિકાના અનેક પૂર્વ રાષ્ટ્રપતિઓની પણ ટેવ રહી છે. અમેરિકા ભારતને પણ અગાઉ ધમકીઓ આપી ચૂક્યું છે.
અમેરિકાની ધમકીનો લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યો જવાબ
અમેરિકાએ ભારતને ધમકી આપવાની શરૂઆત 1965માં કરી હતી. 1943ના બંગાળના દુષ્કાળની યાદો તાજી હતી. એવામાં આઝાદી બાદ 1960ના દાયકામાં ભારતને ખાદ્ય કટોકટીનો સામનો કરવાની નોબત આવી હતી. 1962માં ચીન સાથે થયેલા યુદ્ધમાં ભારત આર્થિક રીતે પાયમાલ થયું હતું. 1965માં તત્કાલિન વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના સમયગાળામાં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું હતું. એવા સમયે અમેરિકાએ ભારતને પહેલીવાર ધમકી આપી હતી.
1960ના દાયકામાં ભારત અમેરિકાના PL-480 કરાર હેઠળ મળતા હલકી ગુણવત્તાના લાલ ઘઉં પર નિર્ભર હતું. 1965ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ લિન્ડન જોહ્નસને ભારતને ધમી આપી હતી કે, જો ભારત યુદ્ધ નહીં અટકાવે તો તે ઘઉંનો પુરવઠો મોકલવાનું બંધ કરી દેશે. જોકે, અમેરિકાની ધમકીથી તત્કાલિન વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ પીછેહઠ કરી ન હતી. લાલ બહાદુર શાસ્ત્રીએ લિન્ડન જોહ્નસને જવાબ આપ્યો હતો કે, “ઘઉંનો પુરવઠો બંધ કરી દો.” આ સાથે તેમણે દેશને ‘જય જવાન, જય કિસાન’નો નારો આપ્યો હતો.
મેક્સિકોની મદદથી વધ્યું ઘઉંનું ઉત્પાદન
જોકે, 1960ના દાયકામાં ભારતમાં માત્ર 97.5 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંની ખેતી થતી હતી અને ઉત્પાદન માત્ર 64.6 લાખ મેટ્રિક ટન જેટલું જ મળતું હતું. જે દેશની ઘઉંની જરૂરિયાત સામે પૂરતું ન હતું. જેથી ભારતમાં ખેતીનું ઉત્પાદન વધારવા માટે ડૉ. એમ.એસ. સ્વામીનાથને 1960ના દાયકા પૂર્વે જ પ્રયત્નો શરૂ કરી દીધા હતા. તેમણે 1959માં મેક્સિકન ક્રાંતિના પ્રણેતા નોર્મન બોરલોગનો સંપર્ક કર્યા હતો. ડૉ. એમ.એસ. સ્વામીનાથનના આમંત્રણને માન આપીને નોર્મન બોરલોગ 1963માં ભારત આવ્યા હતા. તેમણે ભારતની જમીનનું પરિક્ષણ કરીને મેક્સિકોથી 18000 ટન બીજની આયાત કરી હતી. IARI, દિલ્હી અને પંજાબ કૃષિ યુનિવર્સિટી જેવી સંસ્થાઓએ મેક્સિકન બીજમાં ફેરફાર કરીને ભારતની આબોહવાને અનુરૂપ ‘કન્યાણ સોના’ અને ‘સોનાલિકા’ જેવી નવી જાતો વિકસાવી હતી.
મેક્સિકન બીજના ફેરફારથી તૈયાર થયેલી જાતોએ ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો કર્યો હતો. 1965માં ઘઉંનું ઉત્પાદન 1.2 કરોડ ટન હતું. જે 1968માં વધીને 1.7 કરોડ ટન થઈ ગયું હતું. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ સફળતાને ‘ઘઉં ક્રાંતિ’ તરીકે જાહેર કરી હતી અને તેની યાદમાં ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આમ, ભારતમાં ઘઉંનું ઉત્પાદન વધારવામાં મેક્સિકોનો મોટો ફાળો છે. જે ભૂલી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પ આજે એ દેશને ધમકી આપી રહ્યા છે, કે જે દેશે ભારતની ભૂખમરાની સમસ્યાનું નિરાકરણ લાવ્યો હતો. હરિયાણી ક્રાંતિના લાંબાગાળાના ફળસ્વરૂપ આજે ભારક વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે. દર વર્ષે ભારત આશરે 113 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરે છે.
આ પણ વાંચો…..અમેરિકા વેનેઝુએલા પર ફરી હુમલો નહીં કરે: ડોનાલ્ડ ટ્રમ્પની નવી જાહેરાત



