
નવી દિલ્હી: અમેરિકાએ આખરે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર કરી દીધો. ભારત અને અમેરિકાને ટ્રેડ ડિલની અનેક અટકળો બાદ ગઈકાલે ટ્રમ્પે આ જાહેરાત કરી છે. એટલેકે હવે 1 ઓગસ્ટથી ભારતમાંથી આયાત થતી તમામ પ્રોડક્ટ્સ પર 25% આયાત ટેરિફ અને વધારાનો અસ્થાયી દંડ લાગુ થશે.
આ નિર્ણય ભારતના ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, ખાસ કરીને એપલની ‘મેક ઇન ઇન્ડિયા’ યોજના અને આઈફોન નિકાસ પર ગંભીર અસર કરી શકે છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભારતનો ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ પહેલેથી જ ચીનના પુરવઠા પ્રતિબંધોને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.
અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાનો અસ્થાયી દંડ લગાડવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ ખાસ કરીને ભારતના ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને અસર કરશે, જે હાલમાં ચીનના પ્રતિબંધોને કારણે પણ સંઘર્ષ કરી રહ્યો છે. ચીને ભારત પર મશીનરી અને ટેક્નોલોજી નિષ્ણાતોના પુરવઠા પર રોક લગાવી છે, જેનાથી ભારતની ઉત્પાદન પ્રક્રિયામાં અવરોધો ઊભા થયા છે. આ નવા શુલ્કથી ભારતના નિકાસ ખર્ચમાં વધારો થવાની સંભાવના છે, જેની સીધી અસર એપલ જેવી કંપનીઓની ઉત્પાદન યોજનાઓ પર પડી શકે છે.
એપલની ‘મેક ઇન ઇન્ડિયા’ યોજનાને ફટકો
નિષ્ણાંતોના મત પ્રમાણે અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ટેરિફથી એપલ દ્વારા ભારતને આઈફોન નિકાસનું હબ બનાવવાની યોજનાને મોટો ઝટકો લાગશે. અમેરિકા એપલના આઈફોનની વૈશ્વિક વેચાણનો લગભગ 25% હિસ્સો ધરાવે છે, એટલે કે દર વર્ષે લગભગ 6 કરોડ યુનિટ્સ. આ માંગને પહોંચી વળવા ભારતમાં ઉત્પાદન ક્ષમતા વધારવી જરૂરી છે, પરંતુ આ શુલ્કથી એપલની યોજનાઓ અસ્થિર થઈ શકે છે.
એપલનો લક્ષ્યાંક 2025-26 સુધીમાં ભારતમાં આઈફોન ઉત્પાદનને 35-40 મિલિયન યુનિટથી વધારીને 60 મિલિયન યુનિટ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં અમેરિકામાં વેચાયેલા તમામ આઈફોન ભારતના તમિલનાડુમાં ફોક્સકોનની ફેક્ટરીમાં એસેમ્બલ થયા હતા.
સાયબર ક્ષેત્રના નિષ્ણાંત પ્રમાણે ભારતથી આઈફોન નિકાસ પર વધેલા ખર્ચની સીધી અસર અમેરિકન બજારમાં માગ પર પડશે. આનાથી એપલને તેની વૈશ્વિક પુરવઠા શૃંખલાને ફરીથી ગોઠવવી પડી શકે છે. જ્યારે ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, અમેરિકા હાલના 10% શુલ્ક ઉપરાંત 15% વધારાનું શુલ્ક લગાવી શકે છે. આનાથી ફક્ત મોબાઈલ જ નહીં, પરંતુ ટેલિકોમ, ઓટોમોબાઈલ અને ગ્રાહક ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોના નિકાસ પર પણ અસર પડશે.
ચીન દ્વારા કાચા માલ અને ટેક્નોલોજી પુરવઠા પર લગાવેલા પ્રતિબંધોને કારણે ભારતની ઉત્પાદન પ્રક્રિયા પર ગંભીર અસર થઈ છે. જ્યાં સુધી વૈકલ્પિક પુરવઠા સ્ત્રોતો વિકસિત નહીં થાય, ત્યાં સુધી આ સંકટ યથાવત્ રહેશે અને ઉત્પાદન ખર્ચમાં વધારો થશે.
સેમી ઇન્ડિયાના અધ્યક્ષ અશોક ચંદકનું કહેવું છે કે જો અમેરિકાનું આ ટેરિફ કાયમી બનશે, તો ભારત અન્ય એશિયાઈ દેશોની સરખામણીમાં સ્પર્ધાત્મક રીતે નુકસાનમાં રહેશે. તેમણે સૂચન કર્યું કે ભારતે હવે અમેરિકા પરની અતિ નિર્ભરતા ઘટાડીને નવા નિકાસ બજારો શોધવા જોઈએ, સ્વદેશી બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપવું જોઈએ અને મૂલ્ય શૃંખલામાં આગળ વધવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવા ટેરિફ સંકટોનો સામનો કરી શકાય.