નેશનલ

યુએસથી 200 ભારતીય ડિપોર્ટ: અનમોલ બિશ્નોઈ સહિત 3 વોન્ટેડનો સમાવેશ, આ રીતે રખાઈ દેખરેખ

નવી દિલ્હી: ભારતના ઘણા રાજ્યોના લોકોમાં અમેરિકા જવાની ઘેલછા રહેલી છે. જેથી ઘણા લોકો અમેરિકામાં પ્રવેશવા માટે ડન્કી રૂટનો ઉપયોગ કરતા હોય છે. જોકે, આ પ્રવેશ ગેરકાયદેસર ગણાય છે.

2025ની શરૂઆતમાં આવા ગેરકાયદે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોને લઈને ટ્રમ્પ પ્રશાસને લાલ આંખ કરી હતી અને તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ જ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે કુલ 200 ભારતીયને ભારત મોકલવામાં આવ્યા છે, જેમાં ત્રણ મોસ્ટ વોન્ડેટ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. અમેરિકાએ ડિપોર્ટ કરેલા ભારતીયોના મોનિટરિંગ માટે ખાસ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે.

આપણ વાચો: અમેરિકામાં ‘ડન્કી રૂટ’થી ઘૂસ મારનારા ગુજરાતીઓ પાછા ફર્યા: ઉત્તર ગુજરાતના ગામડાઓમાં અચાનક વસ્તીનો વધારો…

યુએસની એન્કલ મોનિટર સિસ્ટમ

યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા એક મોટી ઇમિગ્રેશન કાર્યવાહીના ભાગરૂપે કુલ 200 ભારતીયને દેશનિકાલ કરીને ભારત મોકલવામાં આવ્યા છે. દેશનિકાલ કરાયેલા લોકોમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અને NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસનો મુખ્ય આરોપી અનમોલ બિશ્નોઈ અને પંજાબના બે વોન્ટેડ વ્યક્તિ સહિત 197 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહી ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓનું પરિણામ છે. આ વ્યક્તિઓને યુએસમાં ગેરકાયદે પ્રવેશ અથવા વિઝા ‘ઓવરસ્ટે’ માટે દેશનિકાલ કરવામાં આવ્યા છે. તેમના પર કેનેડા દ્વારા ડન્કી રૂટનો ઉપયોગ કરવાનો આરોપ હતો.

અમેરિકામાં અટકાયત દરમિયાન દેશનિકાલ કરાયેલા ઘણા ઇમિગ્રન્ટ્સની દેખરેખ માટે તેમને ખાસ GPS-સક્ષમ ઉપકરણો ફીટ કરવામાં આવ્યા હતા.

આપણ વાચો: ‘ડોનાલ્ડ ટ્રમ્પના ડરથી’ મહેસાણાનો યુવક નકલી પાસપોર્ટ પરત ફરતા દિલ્હી એરપોર્ટ પર ઝડપાયો

બાબા સિદ્દીકીની હત્યા અને સંગઠિત ગુનાના આરોપો ધરાવતા અનમોલ બિશ્નોઈને પણ યુએસમાં અટકાયત દરમિયાન GPS એન્કલ મોનિટર ફીટ કરવામાં આવ્યું હતું. આ ઉપકરણો યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના ડિટેન્શન ઓલ્ટરનેટિવ્સ (ATD) કાર્યક્રમનો ભાગ છે.

જૂન 2025માં એક આંતરિક મેમો દ્વારા દેખરેખનું સ્તર વધારવા માટે આ મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ વધારવામાં આવ્યો હતો. આ ઉપકરણો નિયમિત ઘડિયાળો જેવા હોતા નથી. તે સતત GPS સિગ્નલો કેપ્ચર કરે છે અને ICEના દેખરેખ કેન્દ્રોને વાસ્તવિક સમયમાં લોકેશન ડેટા મોકલે છે.

આપણ વાચો: ડંકી રુટથી અમેરિકા જનારા ગુજરાતી યુવકને ડાયાબિટીસની દવાનાં અભાવે મળ્યું મોત

અનમોલ બિશ્નોઈએ કર્યો નકલી પાસપોર્ટનો ઉપયોગ

ઉલ્લેખનીય છે કે યુએસની આ મોનિટરિંગ સિસ્ટમની ટીકા પણ થઈ છે. ઘણા ઇમિગ્રન્ટ્સે આ ઉપકરણોને કારણે માનસિક અને શારીરિક સમસ્યાઓ જેમ કે અનિદ્રા, ચિંતા, ત્વચામાં બળતરા અથવા શરીરમાં દુખાવોની ફરિયાદ કરી છે. કેટલાક ટીકાકારોએ આ સિસ્ટમને હિલચાલની સ્વતંત્રતાને પ્રતિબંધિત કરતું ‘ડિજિટલ પાંજરું’ પણ ગણાવ્યું છે.

અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણ માટેની આ કામગીરી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એજન્સી વચ્ચે અનેક મહિનાઓના આયોજન અને સંકલનનું પરિણામ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 2022માં અનમોલ બિશ્નોઈ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ભારત છોડીને ભાગી ગયો હતો. જોકે, બાબા સિદ્દીકીના હત્યાની ઘટનાના બે મહિનામાં અનમોલ બિશ્નોઈને યુએસ ખાતે તાબામાં લેવાયો હતો, જેથી તે યુએસની જેલમાં હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button