નોટબંધી લાગુ કરનાર આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ આઇએમએફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા

નવી દિલ્હીઃ નોટબંધીના ઐતિહાસિક નિર્ણયમાં મુખ્ય ભૂમિકા ભજવનારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને હવે બીજી એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સરકારે તેમની આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ(આઇએમએફ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે. આ પદ છેલ્લા કેટલાક મહિનાઓથી ખાલી પડ્યું હતું.
કેબિનેટ નિમણૂક સમિતિએ જાહેરનામું બહાર પાડીને આ સમાચારની પુષ્ટિ કરી હતી. જાહેરનામામાં જણાવ્યા અનુસાર ડો. ઉર્જિત પટેલને ત્રણ વર્ષના સમયગાળા માટે આઇએમએફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે જો જરૂર પડે તો આ કાર્યકાળ આદેશ મુજબ વધુ કે ઓછો થઇ શકે છે.
આપણ વાંચો: RBI ગવર્નર શક્તિકાંતા દાસ હોસ્પિટલમાં દાખલ, છાતીમાં દુખાવાની તકલીફ
ઉર્જિત પટેલ ભારતીય રિઝર્વ બેંકના ૨૪મા ગવર્નર હતા. તેમણે ૪ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ કાર્યભાર સંભાળ્યો હતો અને ડિસેમ્બર ૨૦૧૮ સુધી આ પદ પર રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ દેશમાં નોટબંધીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની ભારતીય અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકોના જીવન પર ઊંડી અસર પડી હતી. તે સમયે ઉર્જિત પટેલની કાર્યશૈલી અને તેમના મૌન વિશે ઘણી ચર્ચાઓ થઇ હતી, પરંતુ તેમણે હંમેશા તેમના નિર્ણયો પર સંયમિત વલણ જાળવી રાખ્યું હતું.
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ(આઇએમએફ) વિશ્વની સૌથી મહત્વપૂર્ણ નાણાકીય સંસ્થાઓ પૈકીની એક છે. જેનું કામ સભ્ય દેશોની આર્થિક નીતિઓ અંગે સલાહ આપવાનું અને જરૂર પડ્યે તેમને નાણાકીય મદદ પૂરી પાડવાનું છે.
આપણ વાંચો: વાયાકોમ ૧૮ની રિસ્ટ્રકચરિંગ સ્કીમને એનસીએલટીની લીલી ઝંડી
આઇએમએફમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આ પદ સંભાળનાર વ્યક્તિ માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આ પદના માધ્યમથી ઉર્જિત પટેલ વૈશ્વિક આર્થિક મંચ પર ભારતનો અવાજ વધૂ મજબૂત કરશે.
અત્રે નોંધનીય છે કે આ પદ કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમના ગયા પછીથી ખાલી પડ્યું હતું. સુબ્રમણ્યમ અગાઉ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂક્યા છે. તેમને ત્રણ વર્ષનો કાર્યકાળ આપવામાં આવ્યો હતો. પરંતુ સરકારે છ મહિના પહેલા જ તેમની નિમણૂક સમાપ્ત કરી દીધી હતી.