દિલ્હીમાં ભાજપની સરકારઃ સીએમ ક્યારે લેશે શપથ, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના ગઈકાલે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 48 અને આમ આદમી પાર્ટીએ 22 બેઠકો પર પોતાની જીત નોંધાવી હતી. દિલ્હીમાં 27 વર્ષ બાદ સત્તાની દોર ભાજપના હાથમાં આવી છે.
ભાજપને મળેલી જીત બાદ હવે મુખ્ય પ્રધાનપદના ચહેરાને લઈને ચર્ચાઓ તેજ બની છે. આ જીત બાદ પાર્ટી મુખ્ય પ્રધાનના ચહેરાને લઈને ચર્ચામાં વ્યસ્ત બની છે અને આ મુદ્દે આજે ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને બેઠક મળી હતી. શપથગ્રહણનો સમારોહ 13 ફેબ્રુઆરી બાદ યોજાઇ તેવા અહેવાલો મળી રહ્યા છે.
CM પદને લઈને ચર્ચાનો દોર
27 વર્ષ બાદ દિલ્હીમાં બહુમતી મળ્યા બાદ ભાજપના વરિષ્ઠ નેતાઓમાં બેઠકોનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આજે ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં દિલ્હી સરકારની રચના પર ચર્ચા કરવામાં આવશે.
આ સાથે સાંજે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો દિલ્હી પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન હવે દિલ્હીમાં મુખ્ય પ્રધાનપદની રેસમાં કયા નેતાઓ છે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જો કે હવે ભાજપ હાઈકમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે એ જોવાનું રહેશે.
PMના પ્રવાસ બાદ થશે સમારોહ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બારમી અને તેરમી ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે જશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની મુલાકાત થવાની છે. આવી સ્થિતિમાં એવી ચર્ચા છે કે વડા પ્રધાન મોદી અમેરિકાથી પાછા ફરે ત્યાર બાદ જ દિલ્હીના મુખ્ય પ્રધાન શપથ લે તેવી શક્યતા છે.
આપણ વાંચો: આ તારીખે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે, CECએ કરી જાહેરાત
ભવ્ય સમારોહનું આયોજન
પ્રાપ્ત વિગતો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ શપથગ્રહણ સમારોહ યોજાઇ શકે છે. દિલ્હીના મુખ્ય પ્રધાનનો શપથગ્રહણનો કાર્યક્રમ ભવ્ય હશે. આ સમારોહમાં ભાજપ તેમજ NDAના મોટા નેતાઓ સામેલ થઈ શકે છે.
તે ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ આમંત્રણ આપવામાં આવી શકે છે. દિલ્હી ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપ હેડક્વાર્ટરમાં પણ નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા સહિતના નેતાઓએ આ અંગે ચર્ચા શરૂ કરી હતી