ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન કરતી ગેંગના માસ્ટરમાઇન્ડ ઝડપાયો…

લખનઉ: ઉત્તર પ્રદેશ પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે ધર્મ પરિવર્તન કરાવતી ગેંગના કથિત માસ્ટરમાઇન્ડને તેના સહયોગી સાથે ધરપકડ કરી હતી. એક સત્તાવાર નિવેદનમાં પોલીસે કહ્યું હતું કે જલાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા અને સહ-આરોપી નીતુ ઉર્ફે નસરીન બલરામપુર જિલ્લાના મધપુરના રહેવાસી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે જલાલુદ્દીન સામે કોર્ટે બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું, જ્યારે પોલીસે તેની ધરપકડ માટે 50,000 રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું હતું. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના રિમાન્ડ મેળવ્યા બાદ લખનઉ જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા હતા.
લખનઉના ગોમતીનગરના એક પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા અને ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધાર્મિક પરિવર્તન પ્રતિબંધ અધિનિયમ, 2021ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા આ કેસમાં આરોપ મુકવામાં આવ્યો છે કે આરોપીએ હિન્દુ અને બિન-મુસ્લિમ સમુદાયોના વ્યક્તિઓને ઇસ્લામમાં પરિવર્તન કરવા માટે સંગઠિત રીતે કાર્ય કર્યું હતું.
નિવેદનમાં જણાવાયું છે કે, ” ગરીબ, લાચાર મજૂરો, નબળા વર્ગો અને વિધવા મહિલાઓને લાલચ, નાણાકીય સહાય, લગ્નના વચનો અથવા ધાકધમકીથી ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂત કરતો હતો. અન્ય બે આરોપીઓ નવીન ઉર્ફે જમાલુદ્દીન અને જલાલુદ્દીનના પુત્ર મહેબૂબની 8 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. બંને બલરામપુરના રહેવાસી છે અને હાલમાં લખનઉ જિલ્લા જેલમાં બંધ છે.