ઉન્નાવ બળાત્કાર પીડિતાને સુપ્રીમ કોર્ટ ન્યાય આપશે? આ તારીખે CBIની અરજી પર સુનાવણી…

નવી દિલ્હી: તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે ઉન્નાવ બળાત્કાર કેસના દોષિત ભાજપના પૂર્વ વિધાનસભ્ય કુલદીપ સિંહ સેંગરને સંભળાવવામાં આવેલી આજીવન કેદની સજા સ્થગિત કરી દેતા જામીન આપ્યા હતાં. હાઈ કોર્ટના આ ચુકાદાને કારણે હોબાળો મચી ગયો છે, સોશિયલ મીડિયા પર ન્યાયપ્રણાલી સામે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે, દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટ દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી CBIની અરજી પર આવતી કાલે સોમવારે સુનાવણી કરશે.
અહેવાલ મુજબ, ભારતના મુખ્ય ન્યાયધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જેકે મહેશ્વરી અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની વેકેશન બેન્ચ આ મામલાની સુનાવણી કરી શકે છે.

23 ડિસેમ્બરના રોજ દિલ્હી હાઇ કોર્ટે સેંગરની આજીવન કેદની સજા સ્થગિત કરી હતી, કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે દોષિત સાત વર્ષ અને પાંચ મહિના જેલમાં રહી ચૂક્યો છે.
ઉન્નાવ બળાત્કાર કેસમાં પીડિતાને ન્યાયની માંગ સાથે આજે દિલ્હીના જંતર-મંતર મેદાનમાં મહિલા અધિકાર કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હાઈ કોર્ટના આદેશમાં બાદ પીડિતા અને તેના પરિવારે નારજગી વ્યક્ત કરી હતી, પીડિતાએ દિલ્હીમાં ઇન્ડિયા ગેટ સામે પ્રદર્શન કર્યું હતું, જ્યાં દિલ્હી પોલીસે તેને બળજબરી પૂર્વક હટાવી હતી, જેના માટે દિલ્હી પોલીસની ટીકા કરવામાં આવી રહી છે. પીડિતાએ જણાવ્યું હતું કે તેને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ તરફથી તેને ન્યાય મળશે.
આ પણ વાંચો…બળાત્કારી કુલદીપ સેંગરના જામીન સામે દિલ્હી હાઈકોર્ટ બહાર વિરોધ પ્રદર્શન;
સગીરા પર બલાત્કાર:
વર્ષ 2017માં ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 17 વર્ષની સગીરા પર બલાત્કાર ગુજારવામાં આવ્યો હતો ડિસેમ્બર 2019માં ભાજપ નેતા કુલદીપ સેંગરને દોષિત ઠેરવવામાં આવ્યો હતો, કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

દિલ્હી હાઈકોર્ટે શરતી જામીન આપ્યા:
હવે દિલ્હી હાઈકોર્ટે સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરી દીધી છે. કોર્ટે કહ્યું કે દોષિત પહેલાથી જ POCSOકાયદા હેઠળ નિર્ધારિત મહત્તમ સજા કરતાં વધુ સજા ભોગવી ચૂક્યો છે. કોર્ટે જામીન બોન્ડ માટે રૂ.15 લાખ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો.
જામીન આપતી વખતે, હાઈકોર્ટે શરત મૂકી કે સેંગર દિલ્હીમાં જ રહેશે, પરંતુ પીડિતાના નિવાસસ્થાનની 5 કિલોમીટરની ત્રિજ્યામાં ન પ્રવેશ ના કરે અને પીડિતાના પરિવારના સભ્યોનો સંપર્ક ન કરે.
પીડિતાના પિતાના કસ્ટોડિયલ મૃત્યુના કેસમાં પણ સેંગર જેલમાં છે, આ કેસમાં તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હજુ સુધી તેને આ કેસમાં જામીન મળ્યા નથી, માટે હાલ તે જેલમાં રહેશે.સેંગરને શરતી જામીન મળ્યા બાદ કોર્ટે પીડિતાને સુરક્ષા પૂરી પડી છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 5 થી 11 કર્મચારીઓ તેની સુરક્ષામાં હાજર રહેશે.



