એમપીમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલની કારને નડ્યો અકસ્માત, બાઈકસવારનું મોત
છિંદવાડાઃ મધ્ય પ્રદેશ (એમપી)માં વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. છિંદવાડાથી નરસિંહપુર જઈ રહેલા કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. કેન્દ્રીય પ્રધાનની કાર એકાએક રસ્તા પરથી નીચે ઉતરી જવાને કારણે અકસ્માત થયો હતો. બાઈકચાલકને બચાવવાના પ્રયાસમાં તેમની કારને અકસ્માત થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્રીય પ્રધાન પ્રહ્લલાદ પટેલનો મતવિસ્તાર મધ્ય પ્રદેશના છિંદવાડા છે. પટેલ નરસિંહપુરાથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 35 વર્ષના બાઈકસવારનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજા પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માત અમરવાડાથી સિંગોડી બાઈપાસ ખાકરા ચૌરઈ નજીક થયો હતો. આ અકસ્માતમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ સુરક્ષિત હતા, જ્યારે તેમની સાથેના એક શખસને ઈજા પહોંચી છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય પ્રધાનનો કાફલો જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે ઊંધી દિશામાંથી આવી રહેલા બાઈકસવારને બચાવવાના ચક્કરમાં અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં બાઈકસવાર શિક્ષક ઘાયલ થયા હતા. અકસ્માતમાં બાઈકસવાર શિક્ષકનું મોત થયું હતું. તેની ઓળખ નિરંજન સૂર્યવંશી (મોહગાંવ) તરીકે કરવામાં આવી છે. બાઈક પર ત્રણ બાળક પણ હતા, જેમાં તેઓ સ્કૂલ છૂટયા પછી ઘરે જઈ રહ્યા હતા.