બેરોજગારીનો સીધો સંબંધ વોટ ચોરી સાથે છે; રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી કથિત વોટ ચોરી મામલે કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. હવે તેમણે વોટ ચોરીને દેશમાં વધી રહેલી બેરોજગારી સાથે જોડી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ લખ્યું ભારતમાં યુવાનો સામે સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જેનો સીધો સંબંધ વોટ ચોરી સાથે છે.
બેરોજગારી અને વોટ ચોરીના સંબંધને સમજાવતા રાહુલ ગાંધીએ લખ્યું કે જ્યારે કોઈ સરકાર જનતાનો વિશ્વાસ જીતીને સત્તામાં આવે છે, ત્યારે તેની પહેલી ફરજ યુવાનોને રોજગાર અને તકો પૂરી પાડવાની હોય છે. જોકે, ભાજપ પ્રામાણિકપણે ચૂંટણી જીતી નથી શકતી એટલે વોટ ચોરી કરીને અને સંસ્થાઓ સાથે છેડછાડ કરીને સત્તા પર આવે છે.
સરકાર યુવાનોની આશાઓ કચડી રહી છે:
રાહુલ ગાંધીએ કહ્યું કે નોકરીઓ ઘટી રહી છે, ભરતી પ્રક્રિયાઓ પડી ભાંગી છે, અને યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. એટલા માટે પરીક્ષાના પેપર લીક થઇ રહ્યા છે અને ભરતી દરમિયાન ભ્રષ્ટાચાર થાય છે. દેશના યુવાનો સખત મહેનત કરે છે, સપના જુએ છે અને પોતાના ભવિષ્ય માટે પ્રયત્ન કરે છે. પરંતુ મોદી ફક્ત પોતાના પીઆર, સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અને અબજોપતિઓના નફા પર ધ્યાન ધ્યાન આપી રહ્યા છે. આ સરકાર યુવાનોની આશાઓને કચડી રહી છે.
‘હવે યુવાનો સહન નહીં કરે’
રાહુલ ગાંધીએ આગળ કહ્યું, “હવે ભારતના યુવાનો સમજી ગયા છે કે ખરેખર લડાઈ નોકરીઓ માટે નથી, પરંતુ વોટ ચોરી સામે છે. કારણ કે જ્યાં સુધી ચૂંટણીઓ ચોરી થશે ત્યાં સુધી બેરોજગારી અને ભ્રષ્ટાચાર વધતો રહેશે. હવે, યુવાનો નોકરીઓની ચોરી કે વોટ ચોરી સહન કરશે નહીં.”
આપણ વાંચો: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું ભારત મહત્વનો પાર્ટનર દેશ