ઉમેદવાર સજાનો ખુલાસો નહીં કરે તો રદ્દ થઈ જશે ચૂંટણી: સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ નોમિનેશન ફોર્મમાં સજાની જાણકારીનો ખુલાસો નહીં કરવા પર ચૂંટાયેલા ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ એ. એસ. ચંદુરકરની બેન્ચે ભૂતપૂર્વ કાઉન્સિલર પૂનમ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર આ આદેશ આપ્યો હતો. પૂનમને તેમના પદ પરથી દૂર કરવામાં આવી હતી કારણ કે તેમણે ચૂંટણી માટેના તેમના નોમિનેશન ફોર્મમાં એક કેસમાં તેને થયેલી સજાનો ખુલાસો કર્યો નહોતો.
પૂનમને મધ્ય પ્રદેશના ભીકનગાંવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કાઉન્સિલર તરીકેના તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમને ચેક બાઉન્સ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમને વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
ગેરલાયક ઠેરવવા સામે પૂનમની અરજીને ફગાવી દેતા બેન્ચે કહ્યું હતું કે, “જ્યારે એવું જાણવા મળે છે કે ઉમેદવારે તેમની અગાઉની સજાની જાણકારી જાહેર કરી નથી, ત્યારે તે મતદારના સ્વતંત્ર ચૂંટણીના અધિકારનો ઉપયોગ કરવામાં અવરોધ ઉભો કરે છે.”
તેમાં કહેવામાં આવ્યું છે કે, “આમ મતદારને જાણકાર અને સલાહકારના આધારે પસંદગી કરવાની તકથી વંચિત રાખવામાં આવે છે. આ ઉમેદવાર દ્વારા માહિતી છૂપાવવાનો/જાહેર ન કરવાનો કેસ હશે જેના કારણે ચૂંટણી રદ થશે.”



