ઉજ્જૈન: બળાત્કાર પીડિતાની મદદ નહીં કરનારા સામે થશે કાર્યવાહી, પોલીસ આવા લોકોની ઓળખ કરી રહી છે
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બળાત્કાર પીડિતાની મદદ ન કરનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ મદદ માટે રડતી છોકરી સાથે દુર્વ્યવહાર કરનારા લોકો વિરુદ્ધ પોલીસ બાળ-જાતીય શોષણ વિરોધી કાયદા હેઠળ આરોપો દાખલ થઇ શકે છે.
મધ્યપ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કોઈ ગુનાની જાણ ન કરવી અથવા કેસ ન નોંધાવવો પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સ એક્ટ હેઠળ કાર્યવાહીને પાત્ર છે.
ઉજ્જૈનના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “આવા એક વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે. એક ઓટો રિક્ષા ડ્રાઈવર છે, જેને આ કેસની જાણકારી હતી. પરંતુ તેણે જાણી જોઈને પોલીસને જાણ કરી ન હતી. ઓટો રિક્ષા ચાલકની ઓળખ રાકેશ માલવિયા તરીકે કરવામાં આવી છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
પોલીસ અધિકારીએ કહ્યું, “ઘટના સંબંધિત સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જો આવા વધુ લોકોની ઓળખ થશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એક્શન પણ લેવામાં આવશે. ઓટો રિક્ષા ચાલકે છોકરીને ઓટોમાં બેસાડી હતી. ઓટોની સીટ પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. પરંતુ તેણે પોલીસને યુવતીની હાલત વિશે જણાવ્યું ન હતું.”
જોકે, ઉજ્જૈનના એસપીએ નિવેદનમાં કહ્યું હતું કે કે કેટલાક લોકોએ પૈસા આપીને સગીરાની મદદ કરી હતી. તેમણે અમે વીડિયો ટ્રેસ કર્યો અને વિસ્તારના લોકોની પૂછપરછ કરી. વિસ્તારના એક-બે લોકોએ પૈસા આપીને છોકરીની મદદ કરી હતી. કોઈએ તેને 50 રૂપિયા આપ્યા તો કોઈએ તેને 100 રૂપિયાની નોટ આપી.
રસ્તામાં છોકરીએ એક ટોલ બૂથ પાર કર્યો. ત્યાંના કર્મચારીઓએ તેને પૈસા અને કેટલાક કપડાં આપ્યા. ઓછામાં ઓછા સાત-આઠ લોકોએ તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો. જો કે, તેમાંથી કોઈએ તેને રોકી પોલીસને જાણ કરી ન હતી.
આખરે દાંડી આશ્રમના સંચાલકે યુવતીને કપડાં આપ્યા અને ખવડાવ્યું. ત્યારબાદ તેમણે જ પોલીસને જાણ કરી હતી.