નવી દિલ્હીઃ UGC એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એ પોતાની વેબસાઈટ પર ડિફોલ્ટર રાજ્ય યુનિવર્સિટીઓની એક યાદી બહાર પાડી છે. આ યાદી મુજબ દેશની કુલ 157 યુનિવર્સિટીને ડિફૉલ્ટર તરીકે જાહેર કરવામાં આવી છે અને આ યાદીમાં એવી યુનિવર્સિટીઓના નામ પણ શામેલ છે જે લોકપાલ ની નિમણૂક કરવામાં નિષ્ફળ રહી છે. આ યાદીમાં સમગ્ર યુનિવર્સિટીઓમાં 108 સરકારી યુનિવર્સિટીઓ, 2 ડીમ્ડ યુનિવર્સિટીઓ અને 47 ખાનગી યુનિવર્સિટીઓ નો સમાવેશ થાય છે.
ગુજરાતની કેટલી યુનિવર્સિટી ?
UGC દ્વારા જાહેર કરવામાં આવેલી ડિફોલ્ટર યુનિવર્સિટીઓમાં ગુજરાતની 10 યુનિવર્સીટીઓનો સમાવેશ થાય છે. જેમાં ચાર સરકારી યુનિવર્સિટીઓ છે અને છ ખાનગી યુનિવર્સિટીઓનો પણ સમાવેશ થાય છે. ચાર સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીને ડિફોલ્ટર તરીકે જાહેર કરી છે. ખાનગી યુનિવર્સિટીઓમાં ગાંધીનગર યુનિવર્સિટી, કર્ણાવતી યુનિવર્સિટી, સાર્વજનિક યુનિવર્સિટી, અનંત નેશનલ યુનિવર્સિટી, ઇન્ડસ યુનિવર્સિટી અને કે એન યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
જોકે આ યાદીમાં સૌથી વધુ મધ્યપ્રદેશની યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશની 17 યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. તો બીજી બાજુ રાજસ્થાની 14, ઉત્તર પ્રદેશની 12 અને પશ્ચિમ બંગાળની 10 સરકારી યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી છે. મધ્યપ્રદેશની 16 યુનિવર્સિટીઓમાં ઘણી મોટી સરકારી યુનિવર્સિટીઓના નામ પણ સામેલ છે, જેમકે રાજીવ ગાંધી પ્રૌધ્યોગિક વિશ્વવિદ્યાલય, માખનલાલ ચતુર્વેદી પત્રકારત્વ વિશ્વવિદ્યાલય અને રાજા માનસિંહ વિશ્વવિદ્યાલય સહિત ઘણી યુનિવર્સિટીઓના નામ શામેલ છે.