નેશનલ

યુપીમાં 24 કલાકમાં રચાયા બે વર્લ્ડ રેકોર્ડ્સ; ગંગા એક્સપ્રેસવેના નિર્માણ દરમિયાન મોટી સિદ્ધી

લખનઉ: ઉત્તર પ્રદેશના બે પ્રમુખ શહેરો મેરઠ અને પ્રયાગરાજને જોડતા ગંગા એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય હાલ પુરજોશમાં ચાલી (Ganga Express way) રહ્યું છે, આ પ્રોજેક્ટ દેશના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ દરમિયાન માત્ર 24 કલાકમાં બે વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા.

અહેવાલ મુજબ 17 અને 18 મે વચ્ચે, કન્સ્ટ્રકશન ટીમોએ 34.24 લેન કિલોમીટર બિટ્યુમિનસ કોંક્રિટ પાથર્યો અને 10 કિલોમીટર ક્રેશ બેરિયર્સ લગાવ્યા. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સે આ રેકોર્ડને સત્તાવાર રીતે માન્યતા આપી છે.

અહેવાલ મુજબ રેકોર્ડ બ્રેક નિર્માણ કાર્ય હરદોઈ અને ઉન્નાવ જિલ્લ વચ્ચે થયું હતું. અહેવાલ મુજબ એક દિવસમાં 20,105 મેટ્રિક ટનથી વધુ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને લગભગ 1.71 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ અદાણી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ (ARTL) અને પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે ભાગીદારીમાં નિર્માણ કરવામાં આવી રહ્યો છે.

મુખ્ય પ્રધાને ખુશી વ્યક્ત કરી:

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ રેકોર્ડ અંગે મહિતી જાહેર કરી છે. યોગી આદિત્યનાથે લખ્યું, “ઉત્તર પ્રદેશ નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે! ઉત્તર પ્રદેશે માત્ર 24 કલાકમાં 10 કિમી ક્રેશ બેરિયર અને 34.24 લેન કિમી બિટ્યુમિનસ કોંક્રિટ પથારીને બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા! ગોલ્ડન બુક, એશિયા બુક અને ઇન્ડિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું! આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ, નવું ઉત્તર પ્રદેશ હવે વૈશ્વિક ધોરણોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું રાજ્ય બની રહ્યું છે. “

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ સિદ્ધિનો શ્રેય ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA) ને આપ્યો. તેમણે કહ્યું કે આ ઉત્તમ આયોજન, ટેકનિકલ કુશળતા અને સમર્પિત ટીમવર્કનું પરિણામ છે.

ગંગા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ વિષે:

ગંગા એક્સપ્રેસવે 594 કિલોમીટર લાંબો હાઈવે પ્રોજેક્ટ છે. નિર્માણ પૂર્ણ થયા બાદ આ એક્સપ્રેસવે મેરઠથી પ્રયાગરાજ સુધીના ઉત્તર પ્રદેશના 12 મુખ્ય જિલ્લાઓને જોડશે. ભવિષ્યમાં તેને બલિયા સુધી લંબાવવાની યોજના છે, ત્યાર બાદ તે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે બનશે.

નોંધનીય છે કે જોકે આ પ્રોજેક્ટ મહાકુંભ 2025 પહેલા પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પરંતુ પ્રોજેક્ટનું કાર્ય વિલંબ સાથે ચાલી રહ્યું છે. આ એક્સપ્રેસ વે રાજ્યમાં વહાન વ્યવહાર, વેપાર અને પ્રાદેશિક વિકાસમાં મોટો બદલાવ લાવશે એવી અપેક્ષા છે.

આ પણ વાંચો…ગંગા એક્સપ્રેસ વે પર રાત્રે રાફેલ અને જગુઆરની ગર્જના, પાકિસ્તાનની ઊંઘ થઈ હરામ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button