‘ED ગુનેગારની જેમ કામ ન કરી શકે’ એક જ દિવસમાં સુપ્રીમ કોર્ટની બે બેન્ચે EDને ફટકાર લાગવી

નવી દિલ્હી: ભારત સરકારની લો એન્ફોર્સમેન્ટ અને ઇકોનોમિક ઈન્ટેલીજન્સ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) છેલ્લા ઘણા વર્ષોથી ખુબ સક્રિય રહી છે, સાથે સાથે આ એજન્સી સતત વિવાદોમાં રહી છે. કેન્દ્ર સરકાર રાજકીય બદલો લેવા વિપક્ષના નેતાઓ સામે આ એન્જસીનો ઉપયોગ કરતી હોવાના આરોપો સતત લાગતા રહ્યા છે. સુપ્રીમ કોર્ટ પણ અગાઉ EDની કામગીરી અંગે સવાલો ઉઠાવી (SC about ED) ચુકી છે. એવામાં ગઈ કાલે ગુરુવારે સુપ્રીમ કોર્ટે ફરી EDની કામગીરી અંગે કડક ટીપ્પણી કરી હતી.
ED દ્વારા દાખલ કરવામાં આવેલા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળના કેસોમાં ઓછા કન્વિકશન રેટ (આરોપી દોષિત ઠરવાનો દર) પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે EDની કામગીરી અને તેની સત્તાના ઉપયોગ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા, બેન્ચે કડક વલણ અપનાવતા કહ્યું કે એજન્સી એક ગુનેગારની જેમ કામ ન કરી શકે અને તેને કાયદાની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે બે અલગ-અલગ કેસની સુનાવણીમાં PMLA ની બંધારણીય યોગ્યતા અને તેના અમલીકરણ સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા કરી. બંને બેન્ચે ED ની પદ્ધતિઓ, લાંબો સમય ચાલતી તપાસ અને તેના ખુબ જ ઓછા કન્વિકશન રેટ પર ચિંતા વ્યક્ત કરી.
દોષિત થયો ન હોવા છતાં લાંબી સજા મળે છે:
એક કેસમાં કેસની સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કરી હતી જે ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ (BPSL) ની નાદારી સાથે જોડાયેલો છે. નીચલી અદાલત દ્વારા 2 મેના રોજ આપવામાં આવેલા ચુકાદામાં કંપનીના લિક્વિડેશનનો આદેશ આપવામાં આવ્યો હતો અને JSW સ્ટીલ દ્વારા રજૂ કરાયેલ રિઝોલ્યુશન પ્લાનને અવગણવામાં આવ્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પિટીશન દાખલ કરવામાં આવી છે.
આ રીવ્યુ પિટીશન અંગે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ED ની કામગીરી અને BPSL કેસમાં તેની તપાસ અંગે ચર્ચામાં કરવામાં આવી. બેંચ અને ED વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ.
CJI ગવઈએ સોલિસિટર જનરલને પૂછ્યું, “કન્વિકશન રેટ કેટલો છે?”. તુષાર મહેતા સ્વીકાર્યું કે કન્વિકશન રેટ ખુબ ઓછો છે, પરંતુ તેમણે એવી દલીલ આપી કે તેનું કારણ ફોજદારી ન્યાય પ્રણાલીમાં રહેલી ખામીઓ છે, જેમ કે લાંબો વિલંબ. તેમણે કહ્યું કે “અન્ય ગુનાઓમાં પણ કન્વિકશન રેટ ઓછો છે.”
તુષાર મેહતાની આ દલીલ સામે CJIએ ફટકાર લગાવતા કહ્યું, “જો તેઓ દોષિત નથી થતા તો પણ, તમે વર્ષો સુધી લગભગ કોઈ સુનાવણી વિના તેમને સજા કાપવા મજબુર કરો છો.”
જસ્ટિસ ગવઈએ PMLAએ હેઠળ લાંબી પ્રીટ્રાયલ કસ્ટડી અને કઠોર જામીન શરતો અંગે પણ ચિંતા વ્યક્ત કરી, જેના કારણે ઘણીવાર ચુકાદા વિના આરોપીને વર્ષો સુધી સજા ભોગવવી પડે છે. EDનો બચાવ કરતા તુષાર મહેતાએ કહ્યું કે ED એ નાણાકીય લગભગ ₹23,000 કરોડ જપ્ત કર્યા છે અને પરત કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલતા નેરેટીવ્સનો પણ ઉલ્લેખ કયો.
પરંતુ CJIએ કહ્યું, “અમે નેરેટીવ્સ પરથી નિર્ણય લેતા નથી. હું ન્યૂઝ ચેનલો જોતો નથી. હું સવારે ફક્ત 10 થી 15 મિનિટ માટે અખબારોમાં હેડલાઇન્સ વાંચું છું.”
લો એન્ફોર્સમેન્ટ કે લો વાયોલેશન એજન્સી?
ગુરુવારે અન્ય એક કેસની સુનાવણી ન્યાયાધીશ સૂર્યકાંત, ઉજ્જલ ભુયાન અને એન કોટિશવર સિંહની બેન્ચે કરી હતી. વિજય મદનલાલ ચૌધરી કેસમાં કોર્ટના 2022ના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી રીવ્યુ પિટીશ સુનાવણી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે એજન્સીના વર્તન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
બેન્ચે કહ્યું, “તમે ગુનેગારની જેમ કામ ન કરી શકો, તમારે કાયદાની હદમાં રહીને કામ કરવું પડશે, લો એન્ફોર્સમેન્ટ ઓથોરીટી અને લો વાયોલેશન એજન્સીમાં ફરક હોય છે. 5,000 કેસ સામે 10 થી ઓછા દોષિત ઠર્યા છે. તેથી જ અમે તમારી તપાસની રીતમાં સુધારવાનો આગ્રહ રાખીએ છીએ.’
સુપ્રીમ કોર્ટેની બેન્ચે એમ પણ કહ્યું, “અમને ED ની ઈમેજ વિશે પણ ચિંતા છે. પાંચ-છ વર્ષની ન્યાયિક કસ્ટડીના બાદ જો લોકો નિર્દોષ છૂટે તો તેની ભરપાઈ કોણ કરશે?”