નેશનલ

ટ્રમ્પ ટેરિફઃ ભારત પર અમેરિકા ટેરિફમાં શા માટે અચાનક કર્યો ઘટાડો, જાણો કારણ?

નવી દિલ્હી: અમેરિકા દ્વારા ફેંકવામાં આવેલો ‘ટેરિફ બોમ્બ’ હાલ ચર્ચાનું કેન્દ્ર છે, ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસના દસ્તાવેજમાં ભારત પર લાદવામાં આવેલી રેસિપ્રોકલ ટેરિફ (Reciprocal Tariff)ને 27 ટકાને બદલે 26 ટકા કરવાની બાબત ચર્ચાનું કારણ બની છે. અમેરિકાએ લાદેલ 26 ટકાનો નવો ટેરિફ નવમી એપ્રિલથી લાગુ પડશે.

ભારત પર 27 ટકાના બદલે 26 ટકા ટેરિફ લાદ્યો

બીજી એપ્રિલમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, નવા ટેરિફ રેટ પ્રમાણે અમેરિકા ચીન પાસેથી 34 ટકા, યુરોપિયન યુનિયન પાસેથી 20 ટકા, જાપાન પાસેથી 24 ટકા અને ભારત પાસેથી 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ વસૂલ કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશો સામે જાહેર કરાયેલા ટેરિફ દર્શાવતો ચાર્ટ દેખાડ્યો હતો.

વ્હાઈટ હાઉસના ડોક્યુમેન્ટ્સમાં રેસિપ્રોકલ ટેરિફનો ઉલ્લેખ

ચાર્ટ અનુસાર ભારત “મુદ્રા હેરફેર અને વ્યાપાર અવરોધો” સહિત 52 ટકા ટેરિફ વસૂલ કરે છે અને અમેરિકા હવે ભારત પાસેથી 26 ટકાનો રાહતપૂર્ણ રેસિપ્રોકલ ટેરિફ વસૂલ કરશે. જોકે વ્હાઇટ હાઉસના દસ્તાવેજોમાં ભારત પર 27 ટકા રેસિપ્રોકલ ટેરીફ લાદવાનો ઉલ્લેખ હતો, પરંતુ તાજેતરના દસ્તાવેજમાં તેને ઘટાડીને 26 ટકા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ટ્રમ્પના ટેરિફથી ભારતીય કંપનીઓને થશે ફાયદો, જાણો વિગતવાર

ટેરિફમાં એક ટકાના ઘટાડાની શું અસર?

ટેરિફમાં એક ટકાના ઘટાડા અંગે જ્યારે ઉદ્યોગ નિષ્ણાતોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે એક ટકા ડ્યુટી ઘટાડવાથી કઈ અસર નહીં પડે. નાણાકીય વર્ષ 2021-22 થી 2023-24 સુધી અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું. ભારતની કુલ વેપારી નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ 18 ટકા, આયાતમાં 6.22 ટકા અને દ્વિપક્ષીય વેપારમાં 10.73 ટકા હતો.

તે ઉપરાંત વર્ષ 2023-24માં અમેરિકા સાથેના માલ પર ભારતનો વેપાર સરપ્લસ એટલે કે આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત 35.32 અબજ અમેરિકન ડોલર હતો. તે વર્ષ 2022-23માં 27.7 અબજ અમેરિકન ડોલર, 2021-22માં 32.85 અબજ યુએસ ડોલર, 2020-21માં 22.73 અબજ યુએસ ડોલર અને 2019-20માં 17.26 અબજ અમેરિકન ડોલર હતું.

આ પણ વાંચો : ટ્રમ્પના ટેરિફ બોંબનો વિશ્વમાં ઉઠ્યો વિરોધનો વંટોળ, WTOમાં લઈ જવાશે મુદ્દો

2024માં ભારત-અમેરિકાનાં વ્યાપારી સંબંધો

2024માં ભારતની અમેરિકામાં થતી મુખ્ય નિકાસમાં ફાર્માસ્યુટિકલ્સ અને બાયોલોજિક્સ, ટેલિકોમ્યુનિકેશન સાધનો, કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરો, પેટ્રોલિયમ ઉત્પાદનો, સોનું અને અન્ય કિંમતી ધાતુના ઘરેણાં, સુતરાઉ તૈયાર વસ્ત્રો અને લોખંડ અને સ્ટીલ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જ્યારે આયાતમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ ઉત્પાદનો, કોલસો અને કોક, કટ અને પોલિશ્ડ હીરા, ઇલેક્ટ્રિક મશીનરી, વિમાન, અંતરિક્ષયાન અને ભાગો અને સોનાનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button