ટ્રમ્પના 50% ટેરિફને રાહુલ ગાંધીએ આર્થિક બ્લેકમેલ ગણાવ્યો, પીએમ મોદી માટે કહ્યું કે…

નવી દિલ્લીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી છે. રાહુલ ગાંધીએ 50 ટકા ટેરિફ મામલે મોટું નિવેદન આપ્યું છે. ટેરિફ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન પર આકરા પ્રહારો કર્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના 25 ટકા વધારાના ટેરિફ બાદ કેન્દ્ર સરકારને ચારે બાજુથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાએ તાજેતરમાં જ ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જેથી હવે ટેરિફલ 50 ટકા થઈ ગયો છે રાહુલ ગાંધીએ ટ્રમ્પને જવાબ આપતા કહ્યું કે, આ અમેરિકન રાષ્ટ્રપતિનું ભારત પ્રત્યેનું ‘આર્થિક બ્લેકમેલ’ છે.
અમેરિકા ભારત સરકારને બ્લેકમેલ કરી રહ્યું છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમેરિકા ભારત સરકારને બ્લેકમેલ કરી રહ્યું છે. આ ટેરિફ એ અમેરિકાની સરકાર દ્વારા ભારતને અન્યાયી વેપાર સોદામાં ધકેલી દેવાનો પ્રયાસ છે, જેનો વિપક્ષ સખત વિરોધ કરે છે. વડા પ્રધાન મોદીએ પોતાની નબળાઈને ભારતીય લોકોના હિતોથી ઉપર ન જવા દેવી જોઈએ’. રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર સીધો વાક્ પ્રહાર કર્યો છે. એટલું જ નહીં પરંતુ કેન્દ્ર સરકારની કામગીરી પર પણ સવાલ કર્યો છે.
ભારતના ક્યા સેક્ટરો પર ટેરિફની અસર વધારે થશે?
અમેરિકાના રાષ્ટ્રપતિએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે, ભારતમાં 7મી ઓગસ્ટથી 25 ટકા અને 27મી ઓગસ્ટથી એડિનશન 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. જેથી ભારત પર અમેરિકાએ કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, 50 ટકા ટેરિફના કારણે ભારતના કૃષિ, કાપડ, ઝવેરાત અને ઓટોમોબાઈલ ક્ષેત્રો દબાણ હેઠળ રહેશે જો કે, આઈટી અને ફાર્મા સેક્ટરને કોઈ અસર થવાની નથી. મહત્વની વાત એ છે કે 25 ટકાના વધારાના ટેરિફના કારણે ભારતના શેર માર્કેટ પર મોટી અસર થઈ શકે છે.
ટેરિફ મામલે ભારતે અમેરિકાને શું જવાબ આપ્યો?
ભારત પર લગાવેલા 25 ટકા વધારાના ટેરિફ મામલે MEA (Ministry of External Affairs)એ અમેરિકાને ધારદાર જવાબ આપ્યો છે. ટેરિફ મામલે MEAએ કહ્યું કે, ‘અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વધારાના ટેરિફ લાદવાનું પગલું અન્યાયી, ગેરવાજબી અને દુર્ભાગ્યપૂર્ણ છે. ભારત દ્વારા પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.’
આપણ વાંચો: ઉત્તરાખંડમાં કુદરતનો કહેર, અનેક અડચણો વચ્ચે NDRF અને SDRFએ 400 લોકોના જીવ બચાવ્યા