તેજસ્વી યાદવ બચી ગયા! બેફામ ટ્રક કાફલા સાથે ટકરાઈ, 3 સિક્યુરીટી ગાર્ડ થયા ઘાયલ

બિહાર: રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ એક મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયા છે. બેફામ ઝડપે આવતી એક ટ્રક તેમના કાફલામાં આવીને ટકરાઈ હતી. જેમાં તેજસ્વી યાદવને કોઈ ઈજા થઈ ન હતી. પરંતુ તેમના 3 સિક્યુરીટી ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ચા પીવા હાઈવે પર રોકાયા હતા તેજસ્વી યાદવ
બિહારના મધેપુરાથી પટના પરત ફરતી વખતે તેજસ્વી યાદવ નેશનલ હાઈવે પર ચા પીવા માટે પોતાના કાફલા સાથે રોકાયા હતા. રાત્રે લગભગ 1.30 વાગ્યાનો સમય હતો. તેજસ્વી પ્રવક્તા શક્તિ યાદવ અને RJDના કેટલાક નેતાઓ પોતાની કારમાંથી નીચે ઉતર્યા કે એક પૂરઝડપે આવેલી ટ્રક કાફલામાં ઘૂસી ગઈ હતી. ટ્રકે એક કારને જોરદાર ટક્કર મારી હતી.
લાપરવાહ લોકો સામે પગલા ભરવા જોઈએ: તેજસ્વી યાદવ
મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, “મધેપુર ખાતેના એક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે અમે ચા પીવા માટે રોકાયા હતા. ત્યારે એક પૂરઝડપે આવતી ટ્રકે મારી સામે જ 2-3 કારને ટક્કર મારી હતી. અમારા સિક્યુરીટી ગાર્ડ ત્યાં ઊભા હતા. તે પૈકીના 2-3 લોકો ઘાયલ થયા છે. હું માત્ર 5 ફૂટ દૂર હતો. જો થોડું વધારે અનિયંત્રણ થયું હોત તો ટ્રક અમારી સાથે પણ અથડાઈ જાત. પ્રશાસને ટ્રકને આગળના ટોલ નાકા પર પકડી લીધી છે. આ ઘટનામાં જે લોકોની લાપરવાહી સામે આવી છે, તેમની સામે પગલા ભરવા જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં તેજસ્વી યાદવને કોઈ ઈજા પહોંચી ન હતી. પરંતુ તેમના 3 સિક્યુરીટી ગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેજસ્વી યાદવ ત્રણેય સિક્યુરીટી ગાર્ડને લઈને સદર હોસ્પિટલ, હાજીપુર પહોંચ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી.