દિલ્હીમાં આજે કૃત્રિમ વરસાદ થશે? ક્લાઉડ સીડિંગનો ટ્રાયલ, જાણો શું છે સરકારની યોજના

દિલ્હી: શિયાળો આવતા દિલ્હીમાં વાયુ પ્રદુષણની સમસ્યા વધુ ગંભીર બનતી હોય છે, આ વર્ષે શીયાળા પહેલા દિલ્હી સરકાર વાયુ પ્રદુષણ ઘટાડવા માટે વિવિધ ઉપાયો શોધી રહી છે. દિલ્હી સરકારે ક્લાઉડ સીડિંગ દ્વારા શહેરમાં કૃત્રિમ વરસાદ કરવાની પણ યોજના બનાવી છે. અહેવાલ મુજબ જો હવામાન અનુકૂળ રહેશે તો દિલ્હી સરકાર આજે મંગળવારે ક્લાઉડ સીડિંગ ટ્રાયલ શરુ કરી શકે છે.
દિલ્હીના પર્યાવરણ પ્રધાન મનજિંદર સિંહ સિરસાએ અગાઉ જણાવ્યું હતું કે ટ્રાયલ હાથ ધરી શકાય કે નહીં એ માટે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે મંગળવારે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાઇટ કાનપુરથી દિલ્હી પહોંચશે. જો હવામાન અનુકૂળ રહેશે તો અમે ક્લાઉડ સીડિંગ ટ્રાયલ હાથ ધરવામાં આવશે.
તંત્રએ તૈયારી પૂર્ણ કરી:
અહેવાલ મુજબ દિલ્હીમાં ક્લાઉડ સીડિંગ પ્રયોગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગત અઠવાડિયે બુરારી વિસ્તાર પર ટેસ્ટ ફ્લાઈટ માટે વિમાને ઉડાન ભરી હતી. આ દરમિયાન કૃત્રિમ વરસાદ માટે ઉપયોગમાં લેવાતા રસાયણ સિલ્વર આયોડાઇડ અને સોડિયમ ક્લોરાઇડ સંયોજનોનો થોડો જથ્થો વિમાનમાંથી છોડવામાં અવ્યો હતો.
ક્લાઉડ સીડિંગ માટે વાતાવરણમાં ભેજનું જરૂરી પ્રમાણ સામાન્ય રીતે 50 ટકા કે તેથી વધુ હોવું જોઈએ, ટેસ્ટ સમયે ભેજનું પ્રમાણ 20 ટકાથી ઓછું હોવાથી વરસાદ થઈ શક્યો ન હતો.
દિલ્હી સરકારે IIT કાનપુર સાથે કરાર કર્યા:
ગત અઠવાડિયે મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ 28 થી 30 ઓક્ટોબર વચ્ચે ક્લાઉડ સીડિંગ માટે યોગ્ય વાદળ બંધાવાની શક્યતા છે.
દિલ્હી સરકારની કેબિનેટે ગત મે મહિનામાં કુલ 3.21 કરોડ રૂપિયાના ખર્ચે પાંચ ક્લાઉડ સીડિંગ ટ્રાયલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. દિલ્હી સરકારે IIT કાનપુર સાથે પાંચ ક્લાઉડ સીડિંગ ટ્રાયલ હાથ ધરવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા હતા.



