મણિપુરના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સહિત હાઇકોર્ટના 16 જજોની બદલી
મણિપુરના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એમવી મુરલીધરન સહિત દેશની વિવિધ હાઈકોર્ટના 16 જજોની બુધવારે બદલી કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલને મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યાના બે દિવસ બાદ બુધવારે જસ્ટિસ મુરલીધરનની બદલી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તાજેતરમાં જસ્ટિસ મુરલીધરનને મણિપુર હાઈકોર્ટમાંથી કલકત્તા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જસ્ટિસ મુરલીધરને મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવાનો નિર્ણય આપ્યા બાદ મણિપુરમાં હિંસા ફેલાઈ ગઈ હતી. જસ્ટિસ મુરલીધરને કૉલેજિયમને વિનંતી કરી હતી કે તેઓ તેમને તેમના વતન મદ્રાસ હાઈકોર્ટમાં ટ્રાન્સફર આપે અને જો આ શક્ય ન હોય તો તેમને કલકત્તા મોકલવાને બદલે તેમને મણિપુર હાઈકોર્ટમાં કામ કરવા દેવામા આવે.
કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુનરામ મેઘવાલની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, જસ્ટિસ એસપી કેસરવાણીને અલ્હાબાદ હાઈકોર્ટથી કલકત્તા હાઈકોર્ટ મોકલવામાં આવ્યા છે. જસ્ટિસ રાજમોહન સિંહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા છે.
જસ્ટિસ નરેન્દ્રની કર્ણાટકથી આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે. એ જ રીતે પટના હાઈકોર્ટના જસ્ટિસ સુધીર સિંહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા છે. પટના હાઈકોર્ટના જસ્ટિસ મધુરેશ પ્રસાદને કલકત્તા હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા છે. જસ્ટિસ અરવિંદ સિંહ સાંગવાનને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી અલ્હાબાદ મોકલવામાં આવ્યા છે.
સરકારે દિલ્હી સહિત આઠ હાઈકોર્ટમાં 17 જજોની નિમણૂકને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક અને ટ્રાન્સફરમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કર્યાના એક દિવસ પછી, સરકારે બુધવારે વિવિધ હાઈકોર્ટમાં ન્યાયાધીશો તરીકે 11 ન્યાયિક અધિકારીઓ અને છ વકીલોની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે વિવિધ હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવા માટે 13 વકીલોના નામની ભલામણ કરી હતી.