બીજે દિવસે ફ્લાઈટમાં બોમ્બના મેસેજથી તંત્ર પરેશાનઃ ટોરોન્ટો-દિલ્હી ફ્લાઇટમાં બોમ્બની ધમકી બાદ સુરક્ષિત ઉતરાણ

નવી દિલ્હીઃ દસમી નવેમ્બરના દિલ્હીમાં થયેલા વિસ્ફોટ પછી ટ્રેન અને ફ્લાઈટમાં બોમ્બની ધમકીના મેસેજથી તંત્ર પરેશાન છે ત્યારે આજે ફરી વિદેશથી ભારત આવનારી ફ્લાઈટમાં મેસેજને તંત્ર દોડતું થઈ ગયું હતું. કેનેડાના ટોરોન્ટોથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો સંદેશ મળ્યા બાદ વિમાને રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષિત ઉતરાણ કર્યું હતું. આ જાણકારી સૂત્રોએ આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે દિલ્હી પોલીસને ફ્લાઇટ નંબર એઆઇ ૧૮૮માં બોમ્બ હોવાની ધમકીનો દાવો કરતો એક સંદેશ મળ્યો હતો. ત્યાર બાદ દિલ્હી એરપોર્ટ પર બોમ્બ થ્રેટ અસેસ્મેન્ટ કમિટિ(બીટીએસી)ની રચના કરવામાં આવી હતી તેમજ આ ધમકી ‘અનિશ્ચિત’ હોવાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આપણ વાચો: મહાનગરી એક્સપ્રેસમાં બોમ્બની ધમકીઃ મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી…
સૂત્રોએ જણાવ્યું કે આ સંદેશ સવારે લગભગ ૧૧-૩૦ વાગ્યે મળ્યો હતો. આ વખતે બોઇંગ ૭૭૭ વિમાન દ્વારા સંચાલિત ફ્લાઇટ હવામાં હતી અને દિલ્હીથી લગભગ ચાર કલાક દૂર હતી.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે ગુરુવારે ટોરોન્ટોથી દિલ્હી જતી ફ્લાઇટ દરમિયાન ફ્લાઇટ નંબર એઆઇ ૧૮૮ અંગે સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું કે ચાલક દળે મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા તમામ નિર્ધારિત સુરક્ષા અભ્યાસ કર્યો હતો. વિમાને દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું છે અને પ્રોટોકોલ મુજબ સુરક્ષા કર્મચારીઓ દ્વારા ફરજિયાત સુરક્ષા તપાસ માટે તેને પાર્ક કરવામાં આવ્યું છે.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતરી ગયા છે. વિમાન બપોરે લગભગ ૩-૪૦ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર૨૪.કોમ પર ઉપલબ્ધ માહિતી અનુસાર બોઇંગ ૭૭૭ વિમાન દ્વારા સંચાલિત ટોરોન્ટો-દિલ્હી ફ્લાઇટનો સમયગાળો ૧૫ કલાકથી થોડો વધારે હતો.



