ટીએમસી ધારાસભ્ય ઝફિકુલ ઇસ્લામનું લાંબી માંદગી બાદ આજે નિધન, પાર્ટીમાં શોકનો માહોલ
મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળના ટીએમસી પાર્ટીના એક ધારાસભ્યનું આજે નિધન થયું છે. મુર્શિદાબાદના ડોમકલથી ટીએમસી ધારાસભ્ય ઝફિકુલ ઇસ્લામનું લાંબી બીમારી બાદ નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા એક મહિનાથી કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં ઝફિકુલ ઇસ્લામની સારવાર ચાલી રહી હતી. ઝફિકુલ ઇસ્લામે વર્ષ 2021માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો.
ઝફિકુલ ઇસ્લામ પર શિક્ષક ભરતી કૌભાડનો આરોપ હતો
પશ્ચિમ બંગાળમાં જે શિક્ષક ભરતી કૌભાંડ થયું હતું તેમાં ટીએમસીના ધારાસભ્ય ઝફિકુલ ઇસ્લામ સંડોવાયેલા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ મામલે સીબીઆઈ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી હતી. સીબીઆઈએ ઇસ્લામના ઘરની પણ તપાસ કરી હતી, જે દરમિયાન ધારાસભ્યના નિવાસસ્થાનમાંથી 35 લાખ રૂપિયાની રોકડ સહિત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હતા. જોકે, જપ્ત કરાયેલી રોકડ તેમની જમીનના પૈસા હતા હોવાનું ધારાસભ્ય ઝફિકુલે જણાવ્યું હતું.
નગરપાલિકાના કાઉન્સિલર ઝફિકુલે પોતાની રાજકીય સફર શરૂ કરેલી
ઝફિકુલ ઇસ્લામની રાજકીય સફરની વાત કરવામાં આવે તો, 2016 માં જાફિકુલ ડોમકલ નગરપાલિકાના કાઉન્સિલર બન્યા હતાં. તે પછી તેઓ તે જ નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા હતાં. પ્રમુખ બન્યા બાદ ઝફિકુલ ઇસ્લામની રાજકીય સફર શરૂ થઈ હતી. 2021 માં ઝફિકુલ ઇસ્લામ ટીએમસી ટિકિટ પર ડોમકલ બેઠક પર ચૂંટણી લડ્યા અને જીતીને ધારાસભ્ય બન્યા હતાં.
મળતી જાણકારી પ્રમાણે ઝફિકુલ ઇસ્લામે કોલેજમાંથી સ્નાતક થયા પછી વ્યવસાય શરૂ કર્યો હતો. તેઓ ઘરે મુરી (ફુલેલા ચોખા) બનાવતા હતા અને લોટ વેચતા હતા. ત્યારબાદ તેમણે બી.એડ કોલેજ ખોલી હતા. મહત્વની વાત એ છે કે, અત્યારે ઝફિકુલ ઇસ્લામ લગભગ 10 કોલેજોના માલિક છે. આ સાથે સાથે રાજકારણમાં પણ ટીએમસી પાર્ટીમાં તેમનું સ્થાન મહત્વનું રહ્યું છે.