નેશનલ

પ. બંગાળમાં ટીએમસી નેતાની ગોળી મારીને હત્યા

મુર્શિદાબાદઃ લોકસભાની ચૂંટણી પહેલા પ. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ છે. દિન દહાડે મારધાડ અને હત્યાના બનાવ બની રહ્યા છે. આ ક્રમમાં હવે પ.બંગાળના મુર્શિદાબાદમાંથી સનસનીખેજ સમાચાર આવી રહ્યા છે. અહીં ટીએમસીના સક્રિય નેતા સત્યેન ચૌધરીની કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના રવિવારે બપોરે બની હતી. હુમલાખોરો બાઇક પર બેસીને આવ્યા હતા. તેમણે નજીકથી ટીએમસી નેતા સત્યેન ચૌધરીને ગોળી મારી દીધી હતી અને બાઇક પર પલાયન થઇ ગયા હતા.

આધારભૂત સૂત્રોએ જણાવ્યુ હતું કે એક સમય હતો જ્યારે સત્યેન ચૌધરી અધિર રંજન ચૌધરીના નજીકના માનવામાં આવતા હતા, પરંતુ ત્યાર બાદ તેઓ તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાઇ ગયા અને અધિર રંજન ચૌધરી કૉંગ્રેસમાં જ રહી ગયા. હાલમાં જ સત્યેન ચૌધરીની શાસક પક્ષથી અંતર નોંધપાત્ર રીતે વધી ગયું હતું અને આજે હવે એવા સમાચાર આવ્યા કે અજ્ઞાત હુમલાખોરોએ નજીકથી ગોળી મારીને તેમની હત્યા કરી દીધી.

સત્યેન ચૌધરી પર ગોળીબાર કર્યા બાદ તેમને ઉતાવળે મુર્શિદાબાદ મેડિકલ કૉલેજ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

તાજેતરમાં જ રાશન કૌભાંડની તપાસ કરવા તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શેખ શાહજહાંને ત્યાં ગયેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારીઓ પર તેમના સેંકડો સમર્થકોએ હુમલો કર્યો હતો અને અધિકારીઓને ઘાયલ કર્યા હતા. તેમના વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીર નોંધ લઇ આરોપીઓ સામે કાર્યવાહી કરવાને બદલે પ. બંગાળની પોલીસે ઇડીના અધિકારીઓ પર છેડતી, બળજબરીથી પ્રવેશ અને ચોરીના આરોપો લગાવી સુઓ મોટો કેસ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button