
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળને મોટી સફળતા મળી છે. સેનાની કાર્યવાહીમા અત્યાર સુધીમાં કુલ ત્રણ આતંકવાદીઓ ઠાર કરી દીધા છે. ચાતરીના નૈદગામના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશના કમાન્ડર સૈફુલ્લાહ, ફરમાન અને બાશા ઠાર મરાયા હતા. આ ત્રણેય પર 5 લાખ રૂપિયાનું ઇનામ હતું.
આતંકીઓ સામે સયુંકત કાર્યવાહી
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઓપરેશનમાં સેનાના 2,5 અને 9 પેરા કમાન્ડો, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સયુંકત કાર્યવાહી કરી હતી. ગાઢ જંગલોનો લાભ લઈને આતંકવાદીઓ ઘણીવાર ઘૂસણખોરી અને હુમલો કરવાનો પ્રયાસ કરે છે. તેથી આ ઓપરેશન ફક્ત ગાઢ જંગલોમાં જ હાથ ધરવામાં આવી હતી. આતંકવાદીઓને શોધવા માટે સેનાએ હેલિકોપ્ટર અને ડ્રોન પણ તૈનાત કર્યા હતા.
સુરક્ષા દળોનું આ એક મોટું ઓપરેશન
અહેવાલો અનુસાર કિશ્તવાડ વિસ્તારમાં સુરક્ષા દળોનું આ એક મોટું ઓપરેશન છે. 10 એપ્રિલના રોજ આતંકવાદીઓએ સુરક્ષા દળોનો સામનો થયો હતો અને એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. બીજા દિવસે 11 એપ્રિલની સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો: કઠુઆ એન્કાઉન્ટરઃ 3 જવાન શહીદ, 3 આતંકી ઠાર…
સુરક્ષા દળને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છુપાયેલા છે અને આથી સર્ચ ઓપરેશનને યથાવત રાખવામાં આવ્યું હતું. 11 એપ્રિલના રોજ બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે બીજું એક એન્કાઉન્ટર થઈ જેમાં વધુ બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ કાયવહીમાં ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસના SOG સામેલ હતા. અત્યાર સુધીમાં કુલ ત્રણ આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે અને ઓપરેશન હજુ પણ યથાવત છે.