ગઢચિરોલીમાં પોલીસ અથડામણમાં બે મહિલા સહિત ત્રણ નક્સલવાદીનાં મોત

ગઢચિરોલી: ગઢચિરોલી પોલીસના સ્પેશિયલ સી-60 કમાન્ડો યુનિટના જવાનોએ ભામરાગડ તાલુકાના જંગલમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં બે મહિલા સહિત ત્રણ નક્સલવાદીને ઠાર કર્યા હતા. ઘટનાસ્થળેથી પોલીસે ત્રણ ઓટોમેટિક રાઈફલ સહિત નક્સલવાદ સંબંધી સામગ્રી જપ્ત કરી હતી.
ભામરાગડ તાલુકાના કતરંગટ્ટા ગામ નજીકના જંગલમાં નક્સલવાદી જૂથ પેરિમિલી દાલમના કેટલાક સભ્યો છુપાયા હોવાની માહિતી સોમવારે પોલીસને મળી હતી. ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ કૅમ્પેઈન (ટીસીઓસી) વખતે નક્સલવાદીઓ ભાંગફોડિયા પ્રવૃત્તિ કરે એવી શક્યતાને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી, એમ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ નીલોત્પલે જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ માહિતી મળતાં જ એડિશનલ એસપી યતીશ દેશમુખની આગેવાની હેઠળ ગઢચિરોલી પોલીસના સી-60 કમાન્ડોના બે યુનિટે સંબંધિત વિસ્તારમાં સર્ચ હાથ ધરી હતી.
આપણ વાંચો: છત્તીસગઢમાં ૧૮ નક્સલવાદીએ કર્યું આત્મસમર્પણ
સર્ચ દરમિયાન નક્સલવાદીઓએ કમાન્ડોના જવાનો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. વળતા જવાબમાં કમાન્ડોએ પણ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન કેટલાક નક્સલવાદીઓ ભાગી છૂટ્યા હતા.
ગોળીબાર બંધ થયા પછી પોલીસે સર્ચ કરતાં એક પુરુષ અને બે મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા. દેખીતી રીતે જ પોલીસ અથડામણમાં ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોની ઓળખ પેરિમિલી દાલમના ઈન-ચાર્જ અને કમાન્ડર વાસુ સમર કોરચા, રેશમા મડકામ (25) અને કમલા મડાવી (24) તરીકે થઈ હતી.
હત્યા, એન્કાઉન્ટર અને લૂંટ જેવા સાત ગંભીર ગુનામાં સંડોવાયેલા વાસુના માથે સરકારે 16 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. રેશમા પણ હત્યા સહિતના છ ગુનામાં સંડોવાયેલી હતી અને સરકારે તેના માથે ચાર લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું, જ્યારે હત્યાના બે સહિત સાત ગંભીર ગુનામાં સંડોવાયેલી કમલા મડાવીના માથે બે લાખ રૂપિયાનું ઈનામ હતું.
પોલીસને ઘટનાસ્થળેથી એક એકે-47 રાઈફલ, એક કાર્બાઈન, એક ઈન્સાસ રાઈફલ, નક્સલવાદ સંબંધી સાહિત્ય અને અન્ય સામગ્રી મળી આવી હતી. નક્સલવાદ વિરોધી ઑપરેશન અને સર્ચ મોડી સાંજ સુધી ચાલુ હતી.
માર્ચથી જૂન મહિના દરમિયાન નક્સલવાદીઓ દ્વારા ટીસીઓસી હાથ ધરવામાં આવે છે, કારણ કે હરિયાળી ઓછી હોવાથી આ સમય દરમિયાન સુરક્ષા દળોના જવાનો સ્પષ્ટ રીતે નજરે પડતા હોવાથી તેમના પર હુમલો કરવાનું સહેલું હોય છે.