બિહારમાં લઠ્ઠાકાંડમાં ત્રણના મોત, બેની અટકાયત

પટણાઃ બિહારના સીતામઢી જિલ્લામાં શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે અત્યાર સુધીમાં છ મૃત્યુ નોંધાયા છે. આ ઘટના બાબતે પોલીસે પૂછપરછ માટે બે શખ્સની અટકાયત કરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
સીતામઢીના પોલીસ અધિક્ષક(એસપી) મનોજ તિવારીએ રહસ્યમય સંજોગોમાં ત્રણ મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે એક તપાસ ટીમ બનાવવામાં આવી છે. એકવાર અમને ઓટોપ્સી રિપોર્ટસ મળ્યા પછી અમે વધુ વિગતો જાહેર કરી શકીશું.
એક સ્થાનિકના જણાવ્યા અનુસાર જિલ્લાના બાજપટ્ટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા સોલમાન ટોલા, નરહા કાલા અને બાબુ નરહર ગામમાં છેલ્લા ૨૪ કલાકમાં મૃત્યુ નોંધાયા છે.
દરમિયાન ગામ ચોકીદાર અને બાજપટ્ટી પોલીસ સ્ટેશન હાઉસ ઓફિસર(એસએચઓ)ને ફરજમાં બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું એસપીએ જણાવ્યું હતું.
મુખ્યપ્રધાન નીતિશ કુમારના વડપણ હેઠળની સરકારે એપ્રિલ ૨૦૧૬માં બિહારમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો. તેમ છતાં રાજ્યમાં દારૂનો પુરવઠો અને વપરાશ બેફામ થઇ રહ્યો છે.