કાશ્મીરમાં ત્રણ બાળકના મોતઃ પાણીથી ભરેલા ખાડામાંથી મળ્યા બે બાળકીના મૃતદેહ

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં તાજેતરમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ બાળકોના મોત થતા ચકચાર મચી ગઇ હતી. પ્રથમ ઘટનામાં બે સગીરાઓના મૃતદેહ વરસાદી પાણીથી ભરેલા ખાડામાંથી મળી આવ્યા હતા, જ્યારે બીજી ઘટનામાં નવ વર્ષના છોકરાએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.
પ્રથમ ઘટના સાંબા જિલ્લાના બાડી બ્રાહ્મના વિસ્તારના લોઅર બીરપુરમાં બની હતી, જ્યાં એક ખાડામાંથી આસિયા (10) અને તાહિરા (9) નામની બે છોકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
આ છોકરીઓ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વિચરતી જાતિના પરિવારોની હતી અને શનિવારે સાંજે તેમના પશુઓ ચરાવવા ગઈ હતી. સાંજ સુધી તે ઘરે પરત ન ફરતાં તેમના પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળી આવી નહોતી.
આપણ વાંચો: જમ્મુ અને કાશ્મીરના એક ગામમાં ભેદી રોગને કારણે 17 લોકોના મોત, કેન્દ્રની ટીમ તપાસ માટે પહોંચી
રવિવારે તેઓની લાશ પાણીથી ભરેલા ખાડામાંથી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં બંને યુવતીઓ અકસ્માતે ખાડામાં પડી ગઈ હતી અને ડૂબી જવાથી મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.
બીજી ઘટના જમ્મુના બહારના બિશ્નાહ વિસ્તારના પટ્યારીમાં બની હતી, જ્યાં સ્કૂટર અને આર્મી ક્રેન વચ્ચેની ટક્કરમાં નવ વર્ષના પ્રણવ શર્માનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત થયો ત્યારે પ્રણવ તેના પિતા સાથે સ્કૂટર પર સવાર હતો. આ અકસ્માતમાં પ્રણવના પિતા ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.