આ કેન્દ્રીય પ્રધાનને આવક ઓછી પડી રહી છે! ટૂંક સમયમાં રાજીનામું આપશે

કન્નુર: સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે વિધાનસભ્ય કે સંસદ તરીકે ચૂંટાયા બાદ રાજકારણીઓ અઢળક સંપતિ એકઠી કરતા હોય છે, પ્રધાન પદ મળ્યા બાદ આ સંપતિ અનેક ગણી વધી જતી હોય છે. પરંતુ એક કેન્દ્રીય પ્રધાનને તેમની આવક ઓછી લાગી રહી છે, જેને કારણે તેમણે રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય પ્રધાન સુરેશ ગોપીએ રાજીનામું આપવાની ઈચ્છા વ્યકત કરી છે. સુરેશ ગોપી કેરળના જાણીતા અભિનેતા છે, રાજકારણમાં પ્રવેશ્યા બાદ તેમને ફિલ્મોથી દૂર રહેવાની ફરજ પડી હતી, હવે તેઓ અભિનય ક્ષેત્રે પાછા ફરવા ઈચ્છે છે. તેમને એવું લાગી રહ્યું છે કે પ્રધાન પદ પર રહેતા તેમનની આવક ઓછી થઇ રહી છે, હવે તેઓ વધુ આવક માટે ફિલ્મ ક્ષેત્રે ફરી પ્રવેશ કરશે.
‘આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ’
કન્નુરમાં એક કાર્યક્રમને સંબોધતા ત્રિશૂરના સાંસદ સુરેશ ગોપીએ કહ્યું કે કેન્દ્રીય પ્રધાનનું પદ સંભાળ્યા બાદ તેમની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેમણે કહ્યું.”હું એક્ટિંગ ચાલુ રાખવા માંગુ છું. મારે વધુ કમાણી કરવાની જરૂર છે; મારી આવક હવે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.”
તેમણે કહ્યું “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું કેન્દ્રીય પ્રધાન બનીશ. ચૂંટણીના એક દિવસ પહેલા, મેં પત્રકારોને કહ્યું હતું કે હું પ્રધાન બનવા માંગતો નથી. હું ઓક્ટોબર 2008 માં પાર્ટીમાં જોડાયો હતો, પાર્ટીને લાગ્યું કે મને પ્રધાન બનાવવાની જરૂર છે, તો તમણે બનાવ્યો.”
આ સાંસદ જગ્યા લે તેવી ઈચ્છા:
સુરેશ ગોપીએ કહ્યું કે રાજ્યસભાના સાંસદ સી સદાનંદન માસ્ટરને તેમના સ્થાને કેન્દ્રીય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવે. આ વર્ષની શરૂઆતમાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કન્નુરના ભાજપના દિગ્ગજ નેતા સદાનંદન માસ્ટરને રાજ્યસભામાં નોમિનેટ કર્યા હતા.
સમારોહમાં લોકોને સંબોધતા સુરેશ ગોપીએ કહ્યું કે કન્નુરના CMP નેતાઓ ખૂબ ચિંતિત હતા કે માસ્ટરને સાંસદ પદ આપવાથી આપવાથી, આ કેરળમાં ભાજપના વધુ વિધાનસભ્યો અને સાંસદો ચૂંટાઈ આવવાનાની તકો ઉભી થશે.
અગાઉ એવા અહેવાલો હતા કે સુરેશ ગોપીને પેટ્રોલિયમ અને પર્યટન રાજ્ય પ્રધાન બનાવ્યા પછી ભાજપ હાઈ કમાંડે તેમને ફિલ્મોમાં અભિનય માટે મંજૂરી આપી ન હતી, બાદમાં તેમને પહેલાથી સાઈન કરેલી ફિલ્મો પૂર્ણ કરવાની મંજુરી આપવામાં આવી હતી.
આપણ વાંચો: પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી, અનેક લોકોએ ગુમાવ્યા જીવ…