ઉતરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરો સુધી પહોંચાડી આ સામગ્રી, વધુ રાહતની આશા
નવી દિલ્લી: ઉત્તરકાશીના ટનલમાં ફસાયેલા 41 મજૂરને બચાવવા માટે રેસક્યુ મિશન નવ દિવસથી ચાલી રહ્યું છે. પણ હવે આ રેસક્યુ મિશનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. રેસક્યું ટીમે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ હવે 60 મીટર સુધી પાઇપ પહોંચાડીને ફસાયેલા મજૂરોને છ ઇંચની પહોળાઈ ધરાવતા આ પાઇપ વડે ખોરાક, પાણી, દવાઓ અને ઓક્સિજનનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.
રેસક્યુ અધિકારીએ જણાવ્યુ કે પહેલા અમે ફસાયેલા મજૂરોને આ બધી સુવિધાઓ પહોંચાડવામાં અસફળ રહ્યા હતા. પણ હવે છ ઇંચ પહોળા પાઇપ વડે મજૂરોને સરખો ખોરાક પહોંચાડી શકે છે. આ પહેલા માત્ર ચાર ઇંચના પાઇપ વડે મજૂરોને દવાઓની સાથે સાથે ડ્રાઇફ્રૂટ અને મમરા જેવો હલકો ફૂલકો ખોરાક મોકલવામાં આવી રહ્યો હતો, જેથી તેઓને આ સમસ્યા સામે લડવા માટે તાકાત મળે.
રેસક્યુ ટીમ દ્વારા છ ઇંચ પહોળો અને 60 મીટર લાંબા પાઇપ પહોંચાડયા બાદ પ્લાસ્ટિકની બોટલમાં જમવાનું મોકલવામાં આવી રહ્યું છે. આજે મજૂરોને બટેટાના ટુકડા, દાળિયા અને ખિચડી આજે મોકલવામાં આવશે. આ દરેક પ્રકારનો ખોરાક ડોક્ટરની સલાહ લીધા બાદ તેમના સુધી પહોચડવામાં આવી રહ્યો છે.
ટનલમાં ફસાયેલા 41 મજૂરને રેસક્યુ કરવા માટે લાવેલી ઔગર (Auger) મશીન ટનલના તૂટી પડેલા કાટમાળમાં 23 મીટર સુધી ખોદવામાં આવ્યા પછી રોકવામાં આવી હતી. મજૂરોને બચાવવા માટે તેમના સુધી યોગ્ય ખોરાક અને મેડિકલ સપ્લાય પહોંચાડવી તે અમારી પ્રાથમિક્તા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તમારી જાણ ખાતર જણાવીએ કે આ ટનલ સાડા ચાર કિલોમીટર લાંબી છે. 12મી નવેમ્બરે ટનલનો એક ભાગ ધસી પડ્યો હતો, ત્યારથી આ ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ અભિયાન ચાલુ છે.